ભાજપમાં જોડાતાં જ સિંધિયાના કોંગ્રેસ પર પ્રહારો…
કમલનાથ ભ્રષ્ટ, મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો, વડાપ્રધાન મોદીના હાથમાં દેશ સુરક્ષિત…
ન્યુ દિલ્હી : બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો તેમના પરિવારમાં સ્થાન આપવા બદલ આભાર માન્યો હતો. સિંધિયાએ કહ્યું કે મારા જીવનમાં બે તારીખ ખૂબ જ મહત્વની છે, તેમાંથી પહેલી ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧ જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યા હતા, તે જિંદગી બદલનાર દિવસ છે અને બીજી તારીખ ૧૦ માર્ચ ૨૦૨૦ જે દિવસે મે જીવનમાં એક મોટો નિર્ણય લીધો છે. હું એ વાતને માનું છું કે જીંદગીમાં આપણું લક્ષ્ય જનસેવાનું હોવું જોઈએ. રાજનીતી માત્ર એ લક્ષ્યની પૂર્તિ કરવા માટેનું એક માધ્યમ હોવું જોઈએ, તેનાથી વધુ નહિ. મારા પૂજય પિતાજી અને ૧૮-૧૯ વર્ષમાં જે સમય મને મળ્યો તેમાં મેં રાજ્ય અને દેશની સેવા કરવાની કોશિશ કરી.
સિંધિયાએ કહ્યું કે આજે મન વ્યથિત છે અને દુઃખી છે, જે કોંગ્રેસ પાર્ટી પહેલા હતી તે આજે રહી નથી, તેના ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પ્રથમ વાસ્તવિકતાથી ઈન્કાર કરવો, નવી વિચારધારા અને નેતૃત્વને માન્યતા ન મળવી. ૨૦૧૮માં જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર બની તો એક સપનું હતું, પરંતુ તે પણ ખેદાનમેદાન થઈ ચૂક્યુ હતું. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે વાયદાઓ પુરા કર્યા નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આજે મધ્ય પ્રદેશમાં ટ્રાન્સફર માફિયાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે, રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ મને એક નવું મંચ આપવાની તક આપી છે.
સિંધિયાએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા જણાવ્યું કે, દેશનું ભવિષ્ય વડાપ્રધાન મોદીના હાથમાં સુરક્ષિત છે. હું વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાનો આભારી છું કે તેમણે મને એક પ્લેટફોર્મ આપ્યું જ્યાં હું લોકોની સેવા કરી શકું છું. કમલનાથ સાથેના મતભેદોને ઉજાગર કરતા જ્યોતિરાદિત્યએ જણાવ્યું કે કમલનાથ ભ્રષ્ટ છે અને રાજ્યમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે.