આજથી કોંગ્રેસ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન શરૂ કરશે…
ન્યુ દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના પવિત્ર પ્રસંગે ટ્વીટ કરી હતી કે હું અન્યાય સામે લડતો રહીશ. કોઇની સામે ઝુકીશ નહીં. અસત્ય સામે સત્ય દ્વારા વિજય મેળવીશ.
આવતી કાલ શનિવાર ત્રણ ઓક્ટોબરથી કોંગ્રેસ પક્ષ કૃષિ કાયદા સામે વિરોધ આંદોલન શરૂ કરવાનો છે એની પૂર્વ સંધ્યાએ રાહુલે આ ટ્વીટ કરી હતી. ગુરૂવારે હાથરસમાં કૂચ કરવાના તેમના પ્રયાસને ઉત્તર પ્રદેશની પોલીસ સફળ થવા દીધો નહોતો. ધક્કામુક્કીમાં રાહુલ ગબડી પડ્યા હતા અને તેમના અંગુઠામાં ઇજા થઇ હતી.
આમ છતાં રાહુલનો આક્રમક મિજાજ ઠંડો પડ્યો નહોતો. આવતી કાલથી કોંગ્રેસ ટ્રેક્ટર રેલી શરૂ કરવાનો છે. વિવિધ રાજ્યોમાં થઇને આ ટ્રેક્ટર રેલી પાંચમી ઓક્ટોબરે હરિયાણામાં પ્રવેશવાની છે. ત્રણ દિવસમાં આ ટ્રેક્ટર રેલી પચાસ કિલોમીટરનું અંતર કાપવા ધારે છે. રાહુલને એવી આશા હતી કે વિવિધ કિસાન સંઘો પણ કોંગ્રેસના આ પગલાને સાથ સહકાર આપશે. એ વાત જુદી છે કે કિસાન સંઘોએ કોઇ પણ રાજકીય પક્ષ કે નેતાનો સપોર્ટ માગ્યો નથી.
દરમિયાન, હરિયાણાના ગૃહ પ્રધાન અનિવ વીજે કહ્યું હતું કે રાહુલને પંજાબમાં જે કરવું હોય તે કરે. હરિયાણામાં અમે તેમને પ્રવેશવા નહીં દઇએ. કોંગ્રેસના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે રાહુલ હરિયાણામાં રેલી યોજશે અને સભા સંબોધશે.
કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે પંજાબના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કેપ્ટન અમરીન્દર સિંઘ, કોંગ્રેસના પંજાબના પ્રભારી હરીશ રાવત, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડ વગેરે પણ આ રેલી અને સભાઓમાં સહભાગી થશે.