Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના અંદાજે કેસ ત્રણ લાખ : એક દિવસમાં સૌથી વધુ ૩૯૬ના મોત…

બ્રિટનને પછાડી ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ૪ સ્થાને…

છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૦૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયાઃ દેશમાં કોરોનાના કુલ ૨૯૭૫૩૫ કેસ,૧૪૧૮૪૨ એક્ટિવ કેસ,૧૪૭૧૯૫ જેટલા લોકો ડિસ્ચાર્જ, અત્યાર સુધીમાં ૮૪૯૮ લોકોએ જીવ ગુમાવ્યાં…

…..તો ઓગસ્ટ સુધીમાં ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની જશે…

ન્યુ દિલ્હી : દેશમાં હાલમાં મોટા ભાગે લોકડાઉન ખોલીને અમલમાં મૂકાયેલા અનલોક-૧ના સમયગાળામાં રોજેરોજ કેસોની સંખ્યા ૯ હજાર અને હવે ૧૦ હજારની આસપાસ આવી રહી છે. કોરોના વાયરસના આ આંકડા હવે લોકોને ખરા અર્થમાં ડરાવી રહ્યા છે. તો સત્તાવાળાઓ માટે એક ચિંતાનું કારણ બની રહ્યું છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી વધુ એક વખત લોકોને ફાળ પડી છે. આજે શુક્રવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન દેશમાં સૌપ્રથમ વખત ૩૯૬ લોકોના કોરોના વાયરસથી મોત થયાનું બહાર આવ્યું છે. આ સાથે જ ૨૪ કલાકમાં વધુ ૧૦,૯૫૬ લોકો રોગના સંક્રમિત થયા છે જે એક રીતે જોતાં કેસમાં રેકોર્ડ ઉછાળો દર્શાવે છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસો ૩ લાખની નજીક પહોંચી ગયા હોય તેમ ૨.૯૭ લાખને પાર થઈ ગયા છે. રોજના આંકડા જોતાં આવતીકાલ શનિવારે કેસો ૩ લાખની ઉપર પહોંચી જાય તેમ છે. વિશ્વના કોરોના સંક્રમિત દેશોના આંકડા મુજબ ભારત સંક્રમિત દેશોની યાદીમાં બ્રિટનથી આગળ નિકળીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.
કોરોનાના વધતા કેસો વચ્ચે સૌથી રાહત સમાન એ બાબત પણ છે કે પોઝિટિવ દર્દીઓ સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૪૭,૧૯૫ લોકો સ્વસ્થ થયા છે. દેશમાં હાલમાં ૧,૪૧,૮૪૨ સક્રિય કેસ છે જેમની સારવાર ચાલી રહી છે.
આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં જણાવ્યાં પ્રમાણે, ગુરુવારે ૧૦,૯૫૬ કેસ સામે આવ્યા હતા. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી ૨ લાખ ૯૭ હજાર ૫૩૫ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં ૧ લાખ ૪૧ હજાર ૮૪૨ એક્ટિવ કેસ છે અને ૧ લાખ ૪૭ હજાર ૧૯૫ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી ૮૪૯૮ લોકોના મોત થયા છે.
આ પહેલા દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, દિલ્હીમાં લોકડાઉન વધારવામાં નહીં આવે. જો કે એક દિવસ પહેલા રાજ્ય સરકારે કહ્યું હતું કે, દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતે ખોટી ગણાવી હતી.
સૂત્રોએ કહ્યું કે, ભારત હવે કોરોના સંક્રમણના કેસના મામલે વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. અત્યારસુધી ભારત આ યાદીમાં ૬ નંબર પર હતું. છેલ્લા અમુક દિવસોથી કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેના કારણે એક દિવસમાં જ ભારત સ્પેન અને બ્રિટનને પાછળ રાખીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. બુધવાર સુધી બ્રિટન અને સ્પેન પાંચમા સ્થાને હતા. હવે ભારતથી આગળ માત્ર ત્રણ દેશ છે- અમેરિકા, રશિયા અને બ્રાઝીલ. જો આ ગતિ સાથે જ ભારતમાં કોરોના કેસ વધશે તો ૨૫થી ૩૦ ઓગસ્ટ સુધીમાં ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની જશે.
આ સમયે બ્રાઝીલની પરિસ્થિતિ ભારત કરતા પણ વધારે ખરાબ હશે. બ્રાઝીલમાં જો હાલની પરિસ્થિતિ પ્રમાણે કેસ વધશે તો ૨૫ જુલાઇ સુધી તે અમેરિકાને પાછળ છોડીને કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં પહેલા ક્રમે પહોંચી જશે.
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપી-ના નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી ધનજંય મુંડે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. મુંડે ઠાકરે સરકારમાં સંક્રમિત થનારા ત્રીજા મંત્રી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા મંત્રી જિતેન્દ્ર આવ્હાડ અને અશોક ચૌહાણ સંક્રમિત થયા હતા. જો કે હવે બન્ને સાજા થઈ ચુક્યા છે.
કોરોના પ્રભાવિત ટોપ-૬ દેશોમાં ભારતનો ગ્રોથ રેટ સૌથી વધારે છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૪.૩૦ ટકાના રેટથી વધી રહી છે. બ્રાઝીલ બીજા નંબરે છે જ્યાં ૪.૨૬ ટકાનો ગ્રોથ રેટ છે. આ આંકડા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા છે. સૌથી ઓછો ગ્રોથ રેટ સ્પેનનો છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૦.૧૦ ટકાના દરે વધી રહી છે. ભારતનો ડબલિંગ રેટ ૧૭ દિવસનો છે. એટલે કે ભારતમાં સંક્રમિતોની સંખ્યા ૧૭ દિવસમાં બમણી થઇ રહી છે. આ ગતિ રહેશે તો ૧૦૨ દિવસમાં ૨૧ સપ્ટેમ્બર સુધી ભારતમાં સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર કરી જશે. સૌથી ઓછો ડબલિંગ રેટ સ્પેનનો છે. અહીં એક કરોડનો આંકડો પહોંચતા ૪૦૮ દિવસ લાગશે.

Related posts

લાખો યુવાનો માટે ખુશખબરી : રેલવેમાં 2,98 લાખ જગ્યાની ભરતી : રેલમંત્રી પીયૂષ ગોયલની જાહેરાત

Charotar Sandesh

ચાર સપ્તાહમાં ફાયર એનઓસી મેળવવા કોવીડ હોસ્પિટલોને સુપ્રીમ કોર્ટનો આદેશ…

Charotar Sandesh

કોરોના કેર યથાવત્‌ : ૨૪ કલાકમાં ૧૮૩૩૯ કેસ, ૪૧૮ના મોત…

Charotar Sandesh