છેલ્લા ૪ દિવસમાં ૧ લાખ કેસનો વધારો થતાં સરકાર એક્શનમાં…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. રોજ નવા રેકોર્ડ સાથે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૪ જ દિવસમાં કુલ પોઝિટિવ દર્દીઓમાં ૧ લાખનો વધારો થયો છે. અહેવાલ મુજબ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે આજે વડા પ્રધાન મોદીએ સમીક્ષા બેઠક કરી. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, સભ્ય, નીતિ આયોગના સભ્યો, કેબિનેટ સચિવ અને ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ દેશના વિવિધ ભાગોમાં કોરોનાની પરિસ્થિતિ અને વિવિધ રાજ્યોની આ માટેની તૈયારી અંગે માહિતી મેળવી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે આપણે જાહેર સ્થળોએ વ્યક્તિગત સ્વચ્છતા અને સામાજિક શિસ્તનું પાલન કરવાની જરૂરિયાતને દ્રઢતા પૂર્વક પાલન કરવાની જરુર છે. કોવિડ વિશેની લોકોમાં જાગૃતિ વ્યાપકપણે ફેલાવવી જોઈએ અને ચેપના ફેલાવાને રોકવા પર સતત ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે આ મામલે કોઇપણ જાતની કચાસ રહેવી જોઈએ નહીં.
વડા પ્રધાને બેઠકમાં દિલ્હીમાં મહામારીના રોગચાળાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે વધુમાં નિર્દેશ આપ્યો કે સમગ્ર એનસીઆર વિસ્તારમાં કોવિડ -૧૯ રોગચાળાના કાબૂ માટે જે પ્રકારે કાર્ય કરવામાં આવ્યું તેવો જ અભિગમ અન્ય રાજ્ય સરકારો સાથે પણ અપનાવીને રોગચાળાને કાબૂમાં લેવો જોઈએ.
આ બેઠકમાં પીએમ મોદીએ અમદાવાદ શહેરમાં કાર્યરત ‘ધનવંતરી રથ’ અને તેની કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે ધન્વંતરી રથ દ્વારા જે રીતે સર્વેલન્સ અને ઘરઆંગણેની સંભાળની સફળ પ્રક્રિયા થઈ રહી છે તે એક ઉદાહરણીય છે. દેશમાં અન્ય સ્થળોએ પણ તેનું અનુકરણ કરી શકાય. પ્રધાનમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યા કે અસરગ્રસ્ત રાજ્યો અને વિસ્તારો કે જ્યાં ખૂબ જ મોટા પ્રમામમાં કોરોના પોઝિટિવ કેસ મળી રહ્યા છે. ત્યાં રિયલ ટાઇમ રાષ્ટ્રીય કક્ષાની દેખરેખ અને માર્ગદર્શન આપવું જોઈએ.