છેલ્લા ૨૪ કલાકમાં ૨.૪૮ લાખ દર્દી સાજા થયા, એક્ટિવ કેસમાં ફક્ત ૬૭,૬૬૦નો વધારો…
ન્યુ દિલ્હી : છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩.૧૯ લાખ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ૭ દિવસમાં પ્રથમ વખત નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન રેકોર્ડ ૨. ૨.૪૮ લાખ દર્દીઓ સાજા પણ થયા હતા. મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં એક દિવસમાં સાજા થનારા લોકોનો આ સૌથી મોટો આંક છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨,૭૬૨ લોકોએ જીવ ગુમાવ્યો.
એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં થતા વધારા પર થોડો અંકુશ આવ્યો હોય એવું જણાઈ રહ્યું છે. ગઇકાલે એક્ટિવ કેસમાં ફક્ત ૬૭,૬૬૦નો વધારો જોવાયો હતો. આ છેલ્લા ૧૪ દિવસમાં સૌથી ઓછા છે. આ પહેલાં ૧૨ એપ્રિલના રોજ સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં ૬૩,૦૬૫નો વધારો થયો છે.
નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૭૬,૩૬,૩૦૭ થઈ ગઈ છે. વળી, ૨૪ કલાકની અંદર કોરોના ૨,૭૭૧ લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો આંકડો ૧,૯૭,૮૯૪ સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ ૨૮,૮૨,૨૦૪ છે જ્યારે ૧,૪૫,૫૬,૨૦૯ લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૩,૫૯,૯૬૩ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. વળી, ભારતમાં કાલ સુધી કોરોના વાયરસ માટે કુલ ૨૮,૦૯,૭૯,૮૭૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ તેજીથી ચાલી રહ્યો છે. ભારતમાં માત્ર ૯૯ દિવસોમાં ૧૪ કરોડ લોકોને કોરોના રસી લગાવવામાં આવી ચૂકી છે.
ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આવતા ૧૦૦ દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી ૭૦ ટકા વસ્તીનુ વેક્સીનેશન ન થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેરો લોકોને મુશ્કેલીમાં નાખતી રહેશે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત વેક્સીનની રણનીતિ અંગે મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. પોતાની લેટેસ્ટ અપડેટમાં તેમણે એક વાર ફરીથી પીએમ મોદી અને તેમની સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટિ્વટ કર્યુ છે કે, ’ચર્ચા બહુ થઈ ગઈ. દેશવાસીઓને વેક્સીન મફતમાં મળવી જોઈએ – વાત ખતમ. ના બનાવો ભારતને ભાજપ સિસ્ટમના વિક્ટીમ!’
આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે માનવતાને ખાતર વેક્સીન પર વિપક્ષોએ રાજનીતિ બંધ કરી દેવી જોઈએ. ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે કેન્દ્ર સરકાર પોતાની વેક્સીનેશન નીતિ હેઠળ રાજ્યોને ત્રીજા તબક્કામાં ૫૦ ટકા વેક્સીન ડોઝ મફતમાં આપવાની છે. મહામારીના સમયે આ રીતની રાજનીતિ શરમજનક છે.