મુંબઇ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરો ૩૧ માર્ચ સુધી બંધ રહેશે…
ભારતમાં કુલ ૨૦૫ લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં ૩ અને ઉતર પ્રદેશમાં ૪ નવા દર્દીઓ મળ્યા…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાવાઈરસથી પાંચમું મોત રાજસ્થાનમાં થયું છે. શુક્રવારે ૬૯ વર્ષના ઈટલીના નાગરિકે જીવ ગુમાવ્યો છે. આ ૧૭ લોકોનું ગ્રુપ ભારતમાં ફરવા આવ્યું હતું. સંક્રમિતોની સંખ્યા પણ આજે ઝડપથી વધી રહી છે અને તે ૨૦૫ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ૩, ઉતર પ્રદેશમાં ૪, તેલંગાણામાં ૨, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ૧-૧ કેસ પ્રકાશમાં આવ્યા છે.
આ પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબમાં પણ લોકોની મોત થઈ ચૂકી છે. આ તમામ લોકો વૃદ્ધ હતા જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ઈટાલીના નાગરિક સાથે દેશમાં કુલ મોતનો આંકડો હવે પાંચ સુધી પહોંચી ચૂક્યો છે.
મોતનો શિકાર બનેલ ઇટલીની આ પ્રવાસી મહિલા છેલ્લા દિવસોથી ભારત આવેલા ૨૩ સભ્યોના ગ્રુપની સદસ્ય હતી. અહીં તપાસ દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ હોવાનું સામે આવતાં સારવાર ચાલી રહી હતી. એના સાથીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. બંનેની અહીંની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે બાદ રિપોર્ટ નેગેટિવ થયો હતો.
જેને પગલે બંનેને આરયુએચએસમાં કોરેન્ટાઇન માટે શિફ્ટ કરાયા હતા. ત્યાર બાદ ઇટલી દૂતાવાસના આગ્રહને પગલે ગુરૂવારે ઇટલીના આ પર્યટકને ફોર્ટિસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ફોર્ટિસમાં એના મોતનું કારણ હાર્ટ એટેક જણાવાઇ રહ્યું છે. આ પર્યટક અહીંનો કોરોના વાયરસનો પ્રથમ પોઝેટિવ કેસ હતો. ત્યાર બાદ આ કુલ ૯ કેસ પોઝેટિવ સામે આવ્યા છે.
કોરોના વાઇરસની મહામારીથી સૌથી વધારે અસર પામેલા મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાગપુર, પીંપરી-ચિંચવડને લૉકડાઉન કરવાની જાહેરાત મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી છે. લોકલ અને બસ સેવા ચાલુ રહેશે પણ તમામ દુકાનો અને ઑફિસો ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. સરકારી કચેરીઓમાં પણ ફક્ત ૨૫ ટકા સ્ટાફ કામ કરશે.