કોરોનાનું વિકરાળ સ્વરૂપ, ૧ દિવસમાં ૪ લાખથી વધુ કેસ, ૩૫૨૩ના મોત…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર ખતરનાક થતી જઈ રહી છે. પાછલા કેટલાક દિવસોથી દરરોજ ચાર લાખ જેટલા નવા કોવિડ ૧૯ કેસ સામે આવી રહ્યા છે અને ત્રણ હજારથી વધુ એક દિવસમાં મોત થઈ રહ્યાં છે. ભારતમાં કોરોના કેટલો ઘાતક થઈ ગયો છે તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે આપણા દેશમાં દરેક મિનિટે ૨ લોકોનાં કોરોનાથી મોત થઈ રહ્યાં છે. જ્યારે દરેક સેકન્ડે ૪ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓથી માલૂમ પડ્યું કે ૩૦ એપ્રિલ સુધી ભારતમાં એવરેજ દરેક મિનિટે કોવિડ ૧૯થી ૨ લોકોના મોત થઈ રહ્યાં છે અને એવરેજ પ્રતિ મિનિટ ૨૭૦ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
જ્યારે દિલ્હીમાં પાછલા કેટલાક દિવસથી દરેક મિનિટે કોરોનાના ૪ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. દિલ્હીમાં વધતા મોતના આંકડાના કારણે ડેથ રેટમાં પણ વધારો થયો છે. દિલ્હી હવે દેશના પ્રમુખ શહેરોમાંનું એક છે જ્યાં કોરોનાએ સૌથી વધુ અસર કરી હોય. દિલ્હીમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭૦૪૭ નવા મામલા સામે આવ્યા છે અને ૩૭૫ મોત થયાં છે. ગત એક દિવસમાં ૨૫૨૮૮ દર્દી રિકવર થયા છે. દિલ્હીમાં ૯૯૩૬૧ દર્દી એક્ટિવ છે.
ભારતમાં કોરોના વાયરસના ૩૦ એફ્રિલે ૩,૮૬,૪૫૨ નવા મામલા સામે આવ્યા છે અને ૩૪૯૮ લોકોનાં મોત થયાં છે. મહામારીથી દેશમાં અત્યાર સુધીમાં ૨,૦૮,૩૩૦ લોકોના મોત થયાં છે. દેશમાં ૩૧,૭૦,૨૮૮ એક્ટિવ દર્દીઓ છે અને ૧,૫૩,૮૪,૪૧ લોકો રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ પોઝિટિવ મામલાની સંખ્યા ૧,૮૭,૬૨,૯૭૬ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એપ્રિલમાં દેશમાં કોરોનાના મામલા અચાનક વધી ગયા. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં લોકોનાં મોત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકાર આ પ્રભાવિત રાજ્યોના સંપર્કમાં છે.