૨૪ કલાકમાં કોરોનાના ૪૩,૮૯૩ નવા કેસ, વધુ ૫૦૮ના મોત…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાઈસ સંક્રમણ ફેલાવવાની ગતિ હવે ધીમી થતી જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ૫૦ હજારથી ઓછા કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જે એક રીતે રાહતની વાત છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના અંદાજે ૪૪ હજાર નવા કેસ સામે આવ્યાં છે. જે મંગળવારે સામે આવેલા પોઝિટિવ કેસની સરખામણીમાં ૫ થી ૬ હજાર જેટલા અધિક છે.
ભારતમાં ગત એક દિવસમાં કોરોનાના ૪૩,૮૯૩ નવા કેસ સામે આવ્યાં છે. આ નવા કેસ ઉમેરાવા સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૭૯,૯૦,૩૨૨ પર પહોંચી ગઈ છે. જ્યારે આ દરમિયાન ૫૦૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ દેશમાં જીવલેણ કોરોના વાઈરસ કુલ ૧,૨૦,૦૧૦ લોકોને ભરખી ચૂક્યો છે.
જો કે સારી વાત છે કે, એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧૫,૦૫૪ ઘટાડો થયો છે. જેનાથી અત્યારે દેશમાં કુલ ૬,૧૦,૮૦૮ એક્ટિવ કેસ બચ્યાં છે. આ પ્રકારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૮,૪૩૯ લોકો સ્વસ્થ થઈ ચૂક્યાં છે. આમ અત્યાર સુધી કુલ ૭૨,૫૯,૫૦૯ લોકોએ કોરોનાને માત આપી છે.
જો દેશમાં કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો, ભારતમાં ૨૭ ઓક્ટોબર સુધી ટેસ્ટિંગનો આંકડો ૧૦,૫૪,૮૭,૬૮૦ પર પહોંચી ચૂક્યો છે. જેમાંથી ગઈકાલે ૧૦,૬૦,૭૮૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશમાં દિન-પ્રતિદિન ટેસ્ટિંગની ઝૂંબેશમાં ૨૪ સપ્ટેમ્બરે એક જ જિવસમાં સૌથી વધુ ૧૪,૯૨,૪૦૯ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.