છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૯૦ હજાર પોઝિટિવ કેસ ૧૦૬૫ના મોત…
કુલ કોરોનાનો આંકડો ૪૧ લાખને પાર, મૃત્યુઆંક ૭૦,૬૨૬એ પહોંચ્યો, મૃત્યુદર ઘટીને ૧.૭૨ ટકા થયો, અત્યાર સુધી ૪.૮૮ કરોડ ટેસ્ટ થયા…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. દેશમાં પ્રથમવાર એક દિવસમાં ૯૦,૬૩૨ નવા કેસ નોંધાયા છે. તો ૨૪ કલાકમાં ૧૦૬૫ લોકોના મોત થયા છે. આની પહેલા ૫ સપ્ટેમ્બરે દેશમાં સૌથી વધુ ૮૬,૪૩૨ કેસ નોંધાયા હતા. હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૪૧ લાખ ૧૩ હજાર થઈ ગઈ છે. બ્રાઝિલમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૪૧ લાખ ૨૩ હજાર છે. સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત બ્રાઝિલને પછાડીને બીજા નંબર પર પહોંચી ગયું છે. વિશ્વમાં એક દિવસમાં ૯૦૦૦૦થી વધુ કેસ આવનારો ભારત પ્રથમ દેશ બન્યો છે.
દેશમાં કુલ સંક્રમિતોમાંથી ૭૦,૬૨૬ લોકોનાં મોત નીપજ્યાં છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને ૮ લાખ ૬૨ હજાર થઈ ગઈ છે અને ૩૧ લાખ ૮૦ હજાર લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. સાજા થનારા લોકોની સંખ્યા ચેપના સક્રિય કિસ્સાઓની સંખ્યા કરતા લગભગ ત્રણ ગણી વધારે છે. આઈસીએમઆરના આધારે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૯૨,૬૫૪ કોરોના કેસની તપાસ થઈ છે જ્યારે અત્યારસુધીમાં ૪,૮૮,૩૧,૧૪૫ લોકોના ટેસ્ટ થયા છે.
રાહતની વાત એ છે કે મૃત્યુદરમાં સતત ઘટાડો અને એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને ૧.૭૨% થયો છે. આ સિવાય સારવાર હેઠળ રહેલા એક્ટિવ કેસનો દર પણ ૨૧% સુધી નીચે આવી ગયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે સ્વસ્થ થનારાનો દર ૭૭% થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
આઇસીએમઆરના મતે કોરોના વાયરસના ૫૪% કેસો ૧૮ થી ૪૪ વર્ષના છે, પરંતુ કોરોના વાયરસના ૫૧% મૃત્યુ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં થયા છે. ૫ સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ ૪૮ કરોડ ૮૮ લાખ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂકયા છે, જેમાંથી ગઈકાલે ૧૧ લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઇકાલે કરાયું. પોઝિટિવિટી રેટ ૭ ટકા કરતા ઓછો છે.
મહારાષ્ટ્રમાં આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં બે લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારબાદ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. કોરોના સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ભારત છે.