દિવાળી બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે : સરકાર
કેન્દ્ર સરકારે ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી દીધી છે…
ગાંધીનગર : એક તરફ અનલોક ૪માં કેન્દ્ર સરકારે ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત સરકારે દિવાળી પહેલા સ્કૂલો શરુ નહીં થાય તેવો નિર્ણય લઈ લીધો છે. અનલોકમાં ધીરે ધીરે કરીને બધુ ખૂલી રહ્યું છે. જે નથી ખૂલ્યું તે છે શાળા. જેના પર અનેક સવાલો ઉભા થયા છે. દરેક વાલીને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, આખરે શાળાઓ ક્યારે ખૂલશે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. દિવાળી પછી ગુજરાતમાં શાળાઓ ખૂલશે તેવી શક્યતાઓ છે.
થોડા દિવસ પહેલા જ ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળા શરુ કરવા અંગે હાલ કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો. પ્રેગનેન્સી દરમિયાન માત્ર માતા જ નહીં, બાળકને પણ રક્ષણ આપે છે થ્રી ઈન વન વેક્સિન.
જો ૨૧મી સપ્ટેમ્બરથી ધો. ૯થી ૧૨ માટે વર્ગો શરુ પણ કરી દેવાયા હોત તો પણ થોડા જ સમયમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી જાય છે, અને તે દરમિયાન સ્કૂલોમાં લાંબુ વેકેશન પડતું હોય છે. માત્ર ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાના બદલે શક્ય છે કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ કેવી રહે છે તે જોઈને સરકાર હવે ત્યારપછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ તારીખથી સ્કૂલો આંશિક રીતે શરુ કરવા અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયની વાલીઓ ટીકા કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ૨૧મીથી સ્કૂલો ખૂલવી જોઈએ કે નહીં તે અંગે મોટાભાગના વાલીઓ અસહમત છે. રાજ્યમાં કોરોનાના રોજેરોજ ૧૩૦૦થી વધુ નવા કેસ આવી રહ્યા છે, ત્યારે બાળકોને સ્કૂલે મોકલવાનું જોખમ લેવા માટે વાલીઓ તૈયાર નથી. કોરોના મહામારી વચ્ચે શાળા ક્યારે ખૂલશે તે અંગે લાંબા સમયથી ચર્ચાવિચારણા ચાલી રહી હતી. અનેક સવાલો ઉઠ્યા હતા. પંરતુ હવે આ વાત પર પૂર્ણવિરામ લાગ્યો છે.
જે પ્રકારે કોરોના કેસ વધી રહ્યા છે, તેના કારણે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે, દિવાળી સુધી આ વિશે કોઈ વિચારણા નહિ થાય. દિવાળી બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે આ વિશે જણાવ્યું કે, જે રીતે ગુજરાતમાં કોરોના વધી રહ્યું છે તેને જોતા બાળકોને સ્કૂલે મોકલવા હિતાવહ નથી. ૧ થી ૮ ધોરણના બાળકોની ઈમ્યુનિટી નાજુક હોય છે. તેથી દિવાળી બાદ પણ સ્કૂલ ખોલવા અંગેના મતમાં વાલી મંડળ નથી. હાલ એક સત્ર પતી ગયું છે, અને બીજા સત્રમાં કેવી રીતે સ્કૂલ ચાલે છે તે જોવાનું રહ્યું. તેથી ૧ થી ૮ ધોરણના બાળકોને માસ પ્રમોશન આપી દેવું જોઈએ. આ સાથે જ ૯ અને ૧૧ ના ધોરણને પણ માસ પ્રમોશન આપી દેવું જોઈએ. માત્ર ધોરણ ૧૦ અને ૧૨મી જ પરીક્ષા લેવી જોઈએ. રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે ૧૫ માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા ૬ મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.
જો દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય થશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે એના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. શાળાઓ શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે એ નક્કી કરાશે.