અમદાવાદ : હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કૉવેકસીનનો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં ૪૦૦ જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૫ નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે હવે કોવેક્સીનનો બીજો ડોઝ ૨૬ ડિસેમ્બરથી સ્વયંસેવકોને આપવાની શરૂઆત કરાશે.
સોલા સિવિલ હોસ્પિટલ તેમજ કોવેકસીન ટ્રાયલ કમિટીના હેડ ડો. પારુલ ભટ્ટ જણાવે છે કે, કોવેક્સીન રસીના બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવાય છે. આ રસીનો બીજો ડોઝ પહેલા ડોઝ કરતા વધુ પ્રભાવી હોય છે. બુસ્ટર ડોઝ સ્વયંસેવકોને અપાયા બાદ ૧૫ દિવસ મહત્વપૂર્ણ બની રહેશે. ૧૫ જાન્યુઆરી સુધીમાં બુસ્ટર ડોઝ અપાઈ જશે. આ ડોઝ અપાયા બાદના શરૂઆતી પરિણામો હાંસિલ થશે. તેમજ કોવેક્સીન કેટલી સુરક્ષિત છે તે અંગે પ્રાથમિક માહિતી મળી શકશે. એક મહિના સુધી પહેલા ડોઝને આપવાની કામગીરી ચાલુ હતી, જે પૂરી થયા બાદ ૨૬ ડિસેમ્બરથી બીજો ડોઝ આપવાની શરૂઆત કરાશે.