વડોદરાના નિઝામપુરાના ૫૨ વર્ષીય આધેડ શ્રીલંકાથી પરત આવ્યા હતા, ઘરના અન્ય ચારના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા…
વડોદરા : ગુજરાતમાં કોરોનાના વધુ એક દર્દીનું વડોદરામાં મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. વડોદરામાં નિઝામપુરાના ૫૨ વર્ષીય પુરૂષનું મોત થયું છે. આ શખ્સ તાજેતરમાં શ્રીલંકા પ્રવાસથી પરત આવ્યા હતા અને તેમને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમના પરિવારના ચાર લોકોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. વડોદરામાં આ સૌપ્રથમ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૮૭ પર પહોંચી ગઈ છે. સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ છેલ્લા ૧૨ કલાકમાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના પુરવાર થશે.
પ્રાપ્ત વિગતો મુજબ નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આધેડના સંપર્કમાં આવવાથી તેમના પરિવારના ચાર લોકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
વડોદરામાં કોરોના પોઝિટિવનાં કેસ વધી રહ્યાં છે ત્યારે શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે. અલી હુસૈન સીદ્દીકી નામનો તાંદલજાનો ક્વોરન્ટાઈન કરેલો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો. આ અંગે હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસરે એફઆઈઆર નોંધાવી હતી અને બાદમાં મોજી રાત્રે પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડ્યો હોવાની વિગતો મળી હતી.