કંટ્રોલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના સર્વે મુજબ…
સ્વનિર્ભર અને પગારદાર લોકોને સૌથી વધુ મુશ્કેલી, મે મહિનામાં ૨.૧ કરોડ લોકો કામે પાછા ફર્યા, ફક્ત એપ્રિલ માસમાં જ ૧૧.૩ કરોડ લોકો બેરોજગાર થયા…
ન્યુ દિલ્હી : કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે દેશભરમાં રોજગારને લઈને મોટું સંકટ ઉભું થયું છે. બે મહિના એટલે કે, માર્ચ અને એપ્રિલ મહિનામાં ૧૨.૪ કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવવી પડી છે. કંટ્રોલ ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા મુજબ માર્ચ મહિનામાં ૧૦.૧ મિલિયન એટલે કે ૧ કરોડ લોકોએ પોતાનો રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે એપ્રિલ મહિનામાં ૧૧૩.૬ મિલિયન એટલે કે, ૧૧.૩ કરોડ નોકરીયાત બેરોજગાર થયા છે.
સીએમઆઇઇની રિપોર્ટમાં જણાવ્યા મુજબ, અગાઉ પૂર્ણ થયેલા સપ્તાહમાં સૌથી વધુ પડકારજનક બેરોજગારી ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ તામિલનાડુ (૪૯.૮ ટકા), ઝારખંડ (૪૭.૬ ટકા), બિહાર (૪૬.૬ ટકા), હરિયાણા (૪૩.૪ ટકા), અને કર્ણાટક (૨૯.૮ ટકા)નો સમાવેશ થાય છે, જ્યારે ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યોમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાનો જેવા રાજ્યો હતા.
મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલ મહિનામાં બિઝનેસ સાથે જોડાયેલા ૨ કરોડ લોકોએ પોતાનો રોજગારો ગુમાવી દીધો હતો જ્યારે લગભગ ૧.૫ કરોડ સેલરીડ એમ્પલોયઝ પર જોબ લોસનું સંકટ આવી પડ્યું છે. નાના વેપારીઓ અને મજૂરોને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે. એટલું જ નહીં, ૭.૮ કરોડ મજૂર અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને એપ્રિલ મહિનામાં ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો તેવું સીએમઆઇઇની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
સીએમઆઇઇના ડેટા પ્રમાણે મે મહિનામાં બેરોજગારીનો દર ૨૪ ટકા રહ્યો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે, અર્થવ્યવસ્થાને સુધરવામાં ઘણો સમય લાગી શકે છે અને શ્રમિકો માટે આગામી દિવસો મુશ્કેલીભર્યા જ રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે ભારત સહિત વિશ્વભરનું અર્થતંત્ર નબળું પડી ગયું છે. ભારતમાં બે તબક્કામાં લોકડાઉનમાં ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હતા. લોકડાઉનમાં રાહત છતાંય ઉદ્યોગો સારી રીતે ચાલી શક્યા નહોતા. હવે અનલોક-૧ તમામ બધુ ખોલવા મંજૂરી અપાઈ છે ત્યારે લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો તેમના ઘરે જતા રહ્યા છે. આ પરિસ્થિતિમાં આગામી સમયમાં કોરોના કેવો કહેર મચાવશે તે જોવું રહ્યું.