Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

કોરોના સામે જંગ જીતીને આપણે મૃત્યુ સામે તો જીતી જઇએ છીએ, પરંતુ જીવન સામે લડી શકતા નથી…

કોરોનાથી ખૂબ ડરતાં આપણે..શું કોરોના નહોતો ત્યારે ભય વગર જીવ્યા છીએ? વારંવાર મર્યા વગર ઝિંદાદિલ થઈ જીવ્યા છીએ? આપણી પાસે સમય જ નથી આ બધુ વિચારવાનો બાકી સમય કાઢીને વિચારીએ તો સમજાય કે કોરોનાને તો આપણે નાહકનો અળખામણો કરીએ છીએ બાકી આપણે પોતે જ આપણા જીવનના હત્યારા છીએ.
જ્યારે કોઇ બે જણ ઝઘડતા હોય અને કોનો વાંક નથી એ જાણતા હોવા છતાં આપણે એ બેગુનાહનો પક્ષ નથી લેતાં ત્યારે આપણે મરી ચુક્યા કહેવાય.
જ્યારે કોઇ બાળક, સ્રી કે વૃદ્ધ ને મજૂરી કરતાં જોઈએ અને આપણી આંખોને તકલીફ પડતી નથી તો આપણે મરી ચુક્યા  કહેવાય.
આપણા ઘરની ગલીમાં ખરા બપોરના તાપમાં કોઇ ફેરિયો શાકભાજી અને ફળો લઇ વેચવા આવે અને આપણે એ લીધા પછી 2-5 રૂપિયાનો ભાવતાલ કરીએ અને આપણી નજર એના જૂતા વગરના પગ પર જાય છતાં આ રકઝક ચાલુ રહે તો સમજવું કે માણસ તરીકે આપણે મૃત્યુ પામેલા છીએ.
કોઇ પોતાના જીવનપંથમાં તમારી સાથે આગળ વધી રહ્યું છે ત્યારે એ એની તમામ બાબતોનો એક્સ રે રજુ કરે અને તમે માત્ર તમારો કલરફુલ ફોટો ધરી દો ત્યારે તમે જીવંત છો તેવું કહી શકાય નહીં.
આપણો મિત્ર આપણી સાથે ખૂબજ લાગણીથી જોડાયેલ હોય અને આપણને માન આપતો હોય એને આપણે મૂર્ખતા કે ભોટ પણું સમજીએ અને એ મિત્રનો ફાયદો ઉઠાવે રાખીએ તો આપનું હૃદય મરી પરવાર્યું કહેવાય.
માનવીય સંબંધોમાં આપ ગણતરીના પાકા હોવ તો આપની માનવતાની મરી પરવારી કહેવાય.
કોઇની શ્રેષ્ઠતા, તેજસ્વિતા આપને હેરાન પરેશાન કરી મુકે ત્યારે આપ સજ્જન તરીકે મૃત્યુ પામ્યા કહેવાવ.
કોઇ તમારા તમામ ગુણો વારંવાર અવગણી આપ પ્રત્યે સહાનુભૂતિ, સહકાર કે દિવ્ય પ્રેમ દાખવે એ સામે વાળાની ઉદારતા કે સંસ્કાર ગણવાને બદલે આપ માત્ર ને માત્ર પોતાની લાયકાત સમજો એ ક્ષણે આપ નૈતિક માણસ તરીકે મરેલા ગણાવ છો.
માત્ર આપણા નિજી લાભ અને સ્વાર્થ અને લાભ માટે અન્ય સાથે સંબંધ રાખી અને એ પતી ગયા પછી એની જ પીઠમાં આપણે છૂરી ખોસી શકતા હોય તો આપણે સંવેદનશીલ માણસ તરીકે મૃત્યુ પામ્યા કહેવાય.
અસત્ય, ચોરી, ભ્રષ્ટાચાર, કે વૈમનસ્ય ધરાવનાર શિષ્ટ માણસ નથી, પરંતુ શું દયા, માનવતા, પ્રેમ, હૂંફ, સહિષ્ણુતા, બંધુતા, મૈત્રી, ઉદારતા, અને પરમાર્થ વગરના માણસને આપણે શિષ્ટ માણસ કહી શકીશું?  આવો માણસ યોગ્ય વર્તન કરશે જેથી સમાજને નુકસાન નહીં થાય પણ આવા માણસથી સમાજને ફાયદો પણ કંઈ નહીં થાય તો આવો માણસ હોય તોય શું અને ના હોય તો પણ શું.!!!
દરરોજ સૂર્ય અને ચંદ્ર ઉગે છે પણ આપણને તેની સામે નજર કરવાનો પણ સમય નથી.,આપણને ઘરના આંગણામાં રહેલ વૃક્ષને કે છોડના ફૂલને એક મિનિટ પણ મળવાનો સમય નથી કારણકે પ્રકૃતિના એ તત્વો માટે આપણે મરી ચુક્યા છીએ.આકાશમાં રહેલાં સ્વર્ગ અને નર્કની વાતો કરનારા આપણે જીવતા જીવે આકાશને મનભરીને નીરખી શકતાં નથી અને મૃત્યુ પછી આપણે આકાશનું સ્વર્ગ આપણા માટે પહેલેથી જ બુક કરાવેલું રાખવુ છે!!!
અબોલ જીવને આપણે પાંજરે પણ પુરીએ, તેમની સાથે મનોરંજન અર્થે કંઈ પણ કરીએ, મારીએ – ઝુડીએ, તેઓમાં રહેલા ઈશ્વરને મારીને પછી ઈશ્વરને જ બલી ચડાવીએ અને તેમની આંખોથી બોલાયેલો પોકાર આપણે સાંભળી શકતા નથી ત્યારે આપણે સંવેદનશીલ સજીવ તરીકે મરી ચુક્યા હોઇએ છીએ.
અસત્ય, ચોરી, ભ્રષ્ટાચાર, કે વૈમનસ્ય ધરાવનાર શિષ્ટ માણસ નથી, પરંતુ શું દયા, માનવતા, પ્રેમ, હૂંફ ,સહિષ્ણુતા, બંધુતા, મૈત્રી, ઉદારતા, અને પરમાર્થ વગરના માણસને આપણે શિષ્ટ માણસ કહી શકીશું?  આવો માણસ યોગ્ય વર્તન કરશે જેથી સમાજને નુકસાન નહીં થાય પણ આવા માણસથી સમાજને ફાયદો પણ કંઈ નહીં થાય તો આવો માણસ હોય તોય શું અને ના હોય તો પણ શું.!!!
હાલ કોરોનાએ માનવજાતને નુકશાન કર્યુ છે એનાથી ક્યાંય વધારે નુકસાન માણસે જ માણસજાત પ્રત્યે કરેલું છે.  કોઇ માટે મરી છુટવું, મદદ માટે ઘસાઇ જવું, ત્યાગ, સેવા અને સમર્પણ દાખવવા એ તો હવે મુર્ખામી ગણાય છે. અને એ બધું માત્ર વાર્તાઓમાં જ શોભે છે અસલી જીંદગીમાં આપણે કેટલાં લોકોને ઓવરટેક કરીને સડસડાટ આગળ નીકળી જાવ છો એનું જ મહત્વ છે અને એ કાબેલિયત ગણાય છે. તમારામાં કેટલી બુદ્ધિ કે કુશળતા છે એ નહીં પરંતુ કેટલી ઈર્ષા, ખટપટ, દાવપેચ સમજવાની અને કરવાની આવડત છે એ મહત્વનું છે.
પ્રવર્તમાન સમયમાં તમારી પાસે તમારી સાથે ખિલખિલાટ હસનારાં અને તમે જેની પાસે દિલ ખોલી રડી શકો એવા માણસની અછત છે છતાં તમે માલદાર ગણાવ છો. આવા વખતે  તમે કદાચ કોરોના સામે જંગ જીતી જાઓ છો અને મૃત્યુ સામે લડી લો છો પરંતુ પછી પોતાના જ જીવન સાથે લડી શકતા નથી.
નથી હવે મારે જમાના સામે લડવું,
માણસનું હૃદય હું ખોઇ બેઠો છું, 
કહો ક્યાંથી મને એ મળશે પાછું ?
ખુદા તું જ કરને કોઇ નવું જાદુ !!!
  • એકતા ઠાકર – આચાર્યશ્રી, બામણગામ પ્રાથમિક કન્યા શાળા, તાલુકો – આંકલાવ, જિલ્લો – આણંદ

Related posts

“દોસ્ત એક બે મુશ્કેલીને અહી પૂછે કોણ..? હું વારંવાર પડી ને ઊભો થનાર માણસ છું…”

Charotar Sandesh

ભારતીય યુવાનોએ ટિક-ટોક જેવી ચીની એપ્લિકેશન મોહ ત્યાગવો પડશે…!

Charotar Sandesh

તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો…?

Charotar Sandesh