ન્યુ દિલ્હી : કેરેબિયન ક્રિકેટર ડ્વેન બ્રાવો ટી-૨૦ ફોર્મેટમાં ૫૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. અને રસપ્રદ વાત તો એ છે કે અન્ય કોઈ બોલર ૪૦૦ વિકેટ સુધી પણ પહોંચી શક્યો નથી. શ્રીલંકાના ‘યોર્કરમેન’ લસિથ મલિંગા ૩૯૦ વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. ઉપરાંત બ્રાવોએ સીપીએલમાં પોતાની વિકેટોની સદી પણ પૂરી કરી છે. ૩૬ વર્ષીય બ્રાવોએ કેરેબિયન પ્રીમિયર લીગ મેચ(સીપીએલ)ની ૧૩મી મેચમાં સેંટ લુસિયા ઝૂક્સના રહકિમ કોર્નવોલની વિકેટ લઈને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ સાથે તેણે સીપીએલમાં પોતાની ૧૦૦ વિકેટ પણ પૂરી કરી હતી. તે સીપીએલનો પ્રથમ બોલર છે જેણે ૧૦૦ વિકેટ (૧૦૧)ના આંકડાને સ્પર્શ્યો હોય. તે બાદ આર. એમરિટ ૯૨ વિકેટ સાથે બીજા સ્થાને છે. આ સાથે વર્તમાન લીગમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ (ટીકેઆર)એ સતત ચોથો વિજય મેળવ્યો. તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં લુસિયા ઝુક્સે ૧૧૧/૬ બનાવ્યા. ડ્વેન બ્રાવોએ ૩ ઓવરમાં ૭ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. આ જ મેચમાં પ્રવીણ તાંબે પણ રમ્યો હતો, જે સીપીએલમાં ઉતરનારો પ્રથમ ભારતીય બન્યો હતો. તાંબેએ પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી, જો કે તે ઓવરમાં તેને ૧૫ રન આપ્યા હતા. જે બાદ તેને હટાવી લેવામાં આવ્યો હતો.