વડોદરા : દેશમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે અને દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર પડી રહી છે, ત્યારે મૂળ વડોદરાના અને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં ૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.
કોરોના સામેની લડાઇમાં સચિન તેંડુલકર સહિતના દિગ્ગજો મદદ માટે સામે આવી રહ્યા છે, ત્યારે બે ગુજરાતી ક્રિકેટરોએ પણ દેશના ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરી છે અને ગ્રામ્ય વિસ્તારો માટે પંડ્યા બ્રધર્સે ૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.
ચેન્નઇ સુપર કિંગ્સના વિરૂદ્ધ મેચ પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, ’અમે જાણીએ છીએ કે, દેશ કયા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત જે લોકો મદદ માટે આવ્યા છે, તે લોકોનો ધન્યવાદ આપું છું, તેઓ આ કઠિન સમયમાં આગળ આવ્યા છે અને કોરોના વાઇસ સામેની લડાઇમાં દેશનો સાથ આપી રહ્યા છે. હું, મારા મોટાભાઇ કૃણાલ, માતા અને આખો પરિવાર કોરોના પીડિતોને કેવી રીતે મદદરૂપ થઇ શકીએ તેનો વિકલ્પ શોધી રહ્યા છીએ. મને લાગે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે.