ગાંધીનગર : સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે ૨૫ ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે. ગુજરાતની ખાનગી કોલેજોની ફીમાં કેવી રીતે રાહત આપી શકાય તે મામલે એફઆરસી એ સેલ્ફ ફાઈનાન્સ ટેકનિકલ કોર્સ કોલેજ પાસેથી અભિપ્રાય માંગ્યો હતો.
ત્યારે ખાનગી કોલેજના સંચાલકોએ ફી ઘટાડો શક્ય ના હોવાનું એફઆરસી ને જણાવ્યું છે. ખાનગી કોલેજોમાં ફી ઘટાડા મુદ્દે કોલેજ સંચાલકોએ ચાલુ વર્ષે ફી વધારો નહિ કરવાની ખાતરી આપી છે. પરંતુ ફીમાં રાહત આપી નહીં શકાય તેવું સ્પષ્ટ જણાવ્યું છે. ફેકલ્ટીનો પગાર, વહીવટી ખર્ચા, ઇન્ટરનેટ ખર્ચ, લાઈટ બિલ તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ ફી ભરી નહીં હોવાના કારણો રજૂ કરી ફીમાં રાહત ના આપી શકાય તેવું એફઆરસી ને જણાવ્યું છે. બીજી તરફ ખાનગી કોલેજના સંચાલકોએ આર્થિક નબળી સ્થિતિ હોય તેવા વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા તૈયારી બતાવી છે. ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, મેનેજમેન્ટ સહિતની કોલેજોના સંચાલકો પાસેથી એફઆરસી એઅભિપ્રાય માંગ્યો હતો. ત્યારે ખાનગી સંચાલકોએ આપેલો અભિપ્રાય એફઆરસી સરકાર સુધી પહોંચાડશે. ત્યાર બાદ કોલેજમાં ફી માટે રાહત આપવી કે નહીં તે અંગે નિર્ણય સરકાર લેશે. સ્કૂલ ફીની જેમ કોલેજ ફીમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ સાથે વાલીઓ કોર્ટ પણ પહોંચ્યા છે.