અમદાવાદ : ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદ ખાતે હાલ કોરોના સામે લડત આપે તેવી રસી કોવેક્સિન-ટીએમ નામની રસી વિકસાવાઈ છે. હાલ એનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને એમાં આ કંપનીએ વિવિધ રાજ્યોમાં એનું બહોળા પ્રમાણમાં પરીક્ષણ થઇ શકે તેથી જે-તે રાજ્યોની સરકારો પાસે અનુમતિ માગી હતી. ગુજરાત સરકારે હાલ આ રસીના પરીક્ષણ એટલે કે ટ્રાયલ માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરૂ કરવા માટે પરવાનગી આપી છે.
આ ૫ મેડિકલ કોલેજમાં થશે ટ્રાયલ…
બીજે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
જીએમઈઆરએસ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા
જીએમઈઆરએસ સંલગ્ન હોસ્પિટલ, ગાંધીનગર
એમ કે શાહ મેડિકલ કોલેજ, ચાંદખેડા
એસજીવીપી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે આ કંપની મોટા પાયે પરિક્ષણ કરવા માગતી હોઇ તેણે ગુજરાત સરકારનો સંપર્ક સાધ્યો હતો. સરકાર તરફથી હાલ પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન સંસ્થાઓમાં ટ્રાયલ માટેની મંજૂરી અપાઇ છે. આ પરીક્ષણ કોરોના દર્દી નહીં, પરંતુ સ્વસ્થ વ્યક્તિ પર કરવાનું રહેશે. જેના શરીરમાં પહેલાં કોરોના વાઇરસ દાખલ કર્યા બાદ તેના પર રસીની અસરો અંગે ચકાસણી થશે. જેથી પરીક્ષણમાં જનારી વ્યક્તિની મંજૂરી લેવાનું પણ જરૂરી રહેશે, પરંતુ પૂરતી ચકાસણી અને વ્યવસ્થા સાથે જ આ પરીક્ષણ થશે, જેથી કોઇનું સ્વાસ્થ્ય જોખમાય નહીં.
હાલ કેટલા લોકો પર આ પરીક્ષણ કરવામાં આવશે એ અંગે જોકે શિવહરેએ કોઇ સ્પષ્ટતા કરી ન હતી. જોકે આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજા ફેઝની આ ટ્રાયલમાં ગુજરાતમાંથી અંદાજે પાંચસોથી એક હજાર લોકો પર પરીક્ષણ કરાઇ શકે છે. જોકે એનો આધાર સંપૂર્ણપણે પરીક્ષણ માટે મળી રહેનારા લોકો પર રહેશે.