એક વીઘા દીઠ કંપનીએ ખેડૂતને ૧૦૦૦૦ ચૂકવવાને બદલે માત્ર અઢી હજાર રૂપિયા ચૂકવ્યા…
સરકારે ખેડૂતોને પાક વીમાના ૯૧.૫૪% બદલે ૧.૪૮% જ ચૂકવ્યા,વીમા કંપનીએ ખોટા આંકડાઓના આધારે વીમો ચૂકવ્યો : કોંગ્રેસ
અમદાવાદ : વર્ષનાં અંતિમ દિવસે કોંગ્રેસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા ખેડૂતોનાં મુદ્દાઓને લઇને ઘણી સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, પાકવીમા કૌભાંડ મુદ્દે કોંગ્રેસે વિમા કંપનીઓ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
રાજીવ ભવન ખાતે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જ્યા પાક વીમા અંગે કોંગ્રેસે આક્રમક મુડ અપનાવી લીધો છે. કોંગ્રેસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ કે, પાક વીમાની રકમમાં ગોલમાલ કરવામાં આવી છે અને પાકવીમામાં ૯૦ ટકાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેટલુ જ નહી કોંગ્રેસે આ પાકવીમા અંગેનું ગણિત પણ સમજાવ્યુ હતુ. કોંગ્રેસનો આક્ષેપ છે કે, પાકવીમા હેઠળ હેકટર દીઠ ૬૧ હજાર રૂપિયાની ગોલમાલ કરવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં પાકવીમાનાં મામલે ૨૫ થી ૫૦ હજાર કરોડનાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આંકડામા ફેરબદલ કરીને કૌભાંડ આચરાયુ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસે કહ્યુ કે, આ સરકાર આંકડા છુપાવી રહી છે, આ આંકડા જાહેર કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.
કોંગ્રેસનું કહેવુ છે કે, ગાંધીનગરમાં અધિકારી આંકડાઓમાં છેડછાડ કરે છે. જો સરકારે ખેડૂતોને સહાય કરી હોય તો તેણે પાકવીમાનાં આંકડાઓ જાહેર કરવા જોઈએ. બીજી તરફ કૃષિ વિભાગ પાકવીમા અંગે કોઈપણ પ્રકારની માહિતી આપતુ નથી. સરકારે ખેડૂતોને માત્ર દોઢ ટકા વીમો ચૂકવ્યો છે. સરકાર મોટી સંખ્યામાં વીમાનાં આંકડાઓ છુપાવી રહી છે. જાણીને નવાઇ લાગશે કે, ખેડૂતોને માત્ર ૧ ટકાથી ૨૦ ટકા સુધી જ વીમો મળ્યો છે. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલનાં પ્રમુખ પાલ ભાઈ આંબલિયાએ જણાવ્યુ કે, સરકાર પાક વીમા કંપનીઓને છાવરી રહી છે. કૃષિ વિભાગના અધિકારીઓ પાકવીમા અંગે માહિતી આપવા તૈયાર નથી. સરકાર દ્વારા પાક વીમાના નામે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવાડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, પાકવીમામાં સૌથી મોટું કૌભાંડ કરવામાં આવ્યુ છે. પાકવીમાનાં નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.