દરરોજ ૨૦ નાગરિકો અકુદરતી રીતે મૃત્યુ પામ્યા…
ગાંધીનગર : વિધાનસભામાં યોજાઈ રહેલા બજેટ સત્રમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. એક બાજુ સરકાર દ્વારા મહિલા સલામતીના દાવા કરવામાં આવે છે ત્યારે વિધાનસભામાં સરકારે પ્રસ્તુત કરેલા આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજના ૩-૪ બળાત્કાર થયા છે. આ આંકડાઓમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા ખૂન, લૂંટ, ધાડ, ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, ઘરફોડ ચોરીના આંકડાઓનો સમાવેશ થાય છે.
છેલ્લા બે વર્ષમાં લૂંટના ૨૪૫૧ બનાવો…
આ આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં બે વર્ષમાં ખૂનની ૨૦૩૪ ઘટનાઓ ઘટી છે જ્યારે ધાડના ૫૫૯ બનાવો બન્યા છે, રાજ્યમાં ચોરીના ૨૫૭૨૩ કેસ નોંધાયા છે, જ્યારે ૨૭૨૦ બળાત્કારો થયા છે, આ ઉપરાંત અપહરણના ૫૮૯૭, આત્મહત્યાના ૧૪૭૦૨, ઘરફોડ ચોરીના ૭૬૧૧ બનાવો બન્યા છે. બે વર્ષમાં ૨૦૩૪ ખૂન થયા રોજના ૩-૪ બનાવો બન્યા.
રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિત્તાર આ આંકડાઓ પરથી મળી શકે છે. આ આંકડાઓ મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ ખૂન થયા છે. જેમાં રોજના ૩-૪ ખૂનના બનાવો બન્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના ગુનાઓને દેશમાં ખૂબ વગોવામાં આવે છે ત્યારે ગુજરાતની આ સ્થિતિ પણ ગંભીર હોવાનો સંકેત છે.
ખૂનની કોશિષના ગુનાઓમાં પણ અમદાવાદ-સુરત મોખરે
રાજ્યના સૌથી શહેરો ધરાવતા અમદાવાદ અને સુરતમાં ખૂન સાથે ખૂનની કોશિષના ગુનાઓ પણ સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં બે વર્ષમાં ૩૬૮ ખૂનની કોશિષના ગુનાઓ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં ૨૮૨ ગુનાઓ નોંધાયા છે.
રાજ્યમાં રાયોટિંગના રોજ ૪-૫ બનાવો બન્યા
દરમિયાન આ આંકડાઓમાં તોફાનોને લગતા રાયોટિંગના ગુનાઓનો સમાવેશ પણ થાય છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ખૂનના રોજ ૨-૩ બનાવો બન્યા છે. જ્યારે રાયોટિંગના રોજ ૪-૫ બનાવો સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આત્મહત્યાના ૧૪,૭૦૨ બનાવો બન્યા
ગંભીર ગુનાઓની સામે રાજ્યમાં અકુદરતી મૃત્યના પણ ખૂબ બનાવો બન્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૪,૭૦૨ બનાવો બન્યા છે. રાજ્યમાં આ આંકડાઓ મુજબ એવરેજ રોજ ૨૦ નાગરિકો અકુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત બે વપ્ષમાં આકસ્મિક મૃત્યુના ૨૯,૨૯૮ બનાવો બન્યા છે.