કાનપુર એન્કાઉન્ટર કેસ : એસટીએફ ટીમે હમીપુરમાં ઠાર માર્યો…
વિકાસ દૂબે ફરિદાબાદમાં છુપાયો હોવાની બાતમી, અમર દુબેના એન્કાઉન્ટર બાદ પોલીસે શ્યામુ બાજપાઇનું એન્કાઉન્ટર કર્યુ,ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો…
હમીરપુર : કાનપૂર વિકાસ દુબે કેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેનો પ્રમુખ સાથીદાર અને અંગત ગણાતો અમર દુબેને પોલીસે પશ્ચિમ યુપીના હમીરપુરમાં ઠાર માર્યો છે. બુધવાર સવારે અમર દુબેની એસટીએફ ટીમ સાથે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં અમર દુબેનું એન્કાઉન્ટર થયું છે.
અમર દુબેના એન્કાઉન્ટર બાદ પોલીસ દ્વારા કાનપુરમાં શ્યામુ બાજપાઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. શ્યામુ પર ૨૫ હજારનું ઇનામ છે. આ એન્કાઉન્ટરમાં શ્યામુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. માહિતી મુજબ તેને હેલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ મુજબ અમર દુબે વિકાસ દુબે સાથે કાનપુરના બિકરું ગામમાં થયેલ શુટઆઉટમાં શામેલ હતો. અમરે વિકાસ અને તેના સાથીદારો સાથે મળી પોલીસ ટીમ પર જબરદસ્ત ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૮ પોલીસકર્મી શહીદ થયા હતા. જેના પછી આ વિકાસ ગેંગની શોધ ચાલી રહી હતી. અમર પર ૨૫ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એવું બતાવવામાં આવી રહ્યું છે કે અમર દુબે હમીરપુરના મૌદહા વિસ્તારમાં આવેલ તેના કોઈ સંબંધીના ઘરે આશરો લેવાના હેતુથી આવ્યો હતો.
આ પહેલા અમરે હરિયાણાના ફરીદાબાદમાં આશરો લીધો હતો. અમર દુબેની મૂવમેન્ટ બાદ એસટીએફે તેને સરેન્ડર કરવા કહ્યું હતું. આ દરમિયાન દુબેએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પોલીસ પર ગોળીભાર કર્યો. ક્રોસ ફાયરિંગમાં પોલીસે તેને ઢેર કર્યો. એવું બતાવવામાં આવી રહ્યું છે કે ૨ જુલાઈની રાત્રે જ્યારે વિકાસ દુબેના ઘરે પોલીસ દરોડા પાડવા ગઈ ત્યારે અમર દુબે પણ ત્યાં હાજર હતો. પોલીસ પર ફાયરિંગ કરવા અને તેમની હત્યા કરવામાં અમર શામેલ હતો. આ ઘટના બાદ અમર વિકાસ સાથે ભાગી ગયો હતો. અમર વિકાસના સૌથી અંગત અને વિશ્વાસુ સાથીઓમાંથી એક હતો.
જો કે, હાલ પર વિકાસ પોલીસની પકડથી દૂર છે. તેની શોધમાં યુપી પોલીસે પશ્ચિમ યુપીના તમામ જિલ્લાઓમાં બાજ નજર રાખી છે. વિકાસની શોધ માટે વેસ્ટ યુપી અને બુંદેલખંડના અમુક વિસ્તારોમાં એસટીએફ ટીમોની તૈનાતી કરી છે. આ સિવાય દિલ્હી અને હરિયાણાની દરેક એવી કોર્ટ પર નજર રાખવામાં આવી રહી છે જ્યાં વિકાસ દુબેના સરેન્ડર કરવાની શંકા છે.
વિકાસ દુબેની શોધખોળ તેજ…
વિકાસ દુબેની શોધખોળ તેજ તો બીજી બાજુ, વિકાસ દુબેની શોધખોળ પણ તેજ કરી દેવામાં આવી છે. વિકાસ દુબે ફરિદાબાદના એક ગેસ્ટ હાઉસમાં છુપાયો હોવાની માહિતી સામે આવી હતી પરંતુ પોલીસે અહીં થી પણ ખાલી હાથે નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું, સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ પોલીસની આ નિષ્ફળતાથી ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા નારાજ છે. આ દરમ્યાન કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનના તમામ ૬૮ પોલીસ કર્મચારીઓને લાઇનહાજીર કરવામાં આવ્યા હતા.