Charotar Sandesh
ઈન્ડિયા

ગેહલોત સંકટમાં : પાયલટને રાહત, સ્પીકરની નોટિસ પર હાઇકોર્ટની રોક…

રાજસ્થાનના રાજકીય નાટકમાં નવો વળાંક, ૧૯ ધારાસભ્યોને રાહત…

મુખ્યમંત્રી ગેહલોતે રાજ્યપાલ સમક્ષ વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી, રાજ્યપાલે ઇન્કાર કરતાં કોંગી ધારાસભ્યો ધરણાં પર બેઠા અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા…

સ્પીકર હાલ બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી ન કરી શકેઃ રાજસ્થાન હાઇકોર્ટ

જયપુર : સરકાર ઉથલાવવાના મામલે રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલા વર્તમાન રાજકિય પરિસ્થિતિમાં કોંગ્રેસના બળવાખોર સચિન પાયલટ જુથને હાઇકોર્ટ તરફથી આજે શુક્રવારે વધુ રાહત મળી છે. અને મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાલમાં પીછેહઠ થઇ હોય તેમ હાઇકોર્ટે વિધાનસભાના સ્પીકર સીપી જોષીએ બળવાખોરોને આપેલી કારણદર્શક નોટિસ પર રોક લગાવીને જૈસે થે (સ્ટેટસ ક્વો)ની સ્થ્તિ જાળવી રાખવા આદેશ આપીને કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની પાયલટ જુથની અરજીને પણ માન્ય રાખતા કોંગ્રેસની આ આંતરિક રાજકિય અને કાયદાકિય લડાઇમાં હવે કેન્દ્ર સરકારની એન્ટ્રી થાય તેમ છે. એક રીતે જોતાં સ્પીકરને અને ગેહલોતને આંચકો લાગ્યો છે. મામલો હવે સુપ્રિમ કોર્ટમાં જાય તેમ છે.
રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાઇલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોત જૂથમાં હલચલ તેજ થઇ ગઈ હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોત તરફથી વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરતા અપીલ કરવામાં આવી હતી. રાજ્યપાલ કલરાજ મિશ્રએ કોરોના સંકટનો હવાલો આપી વિદ્યાસભા સત્ર બોલાવવા ઇન્કાર કર્યો હતો. આ દરમ્યાન અશોક ગેહલોત પોતાના સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચી ગયા હતા.
રાજભવન પહોંચેલા ધારાસભ્યો ધરણા પર બેસી ગયા હતા અને નારે બાજી કરવા લાગ્યા હતા. તો બીજી તરફ રાજભવનની અંદર રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમ્યાન ધારાસભ્યો ન્યાયની માંગ સાથે ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા હતા.
રાજસ્થાન સીએમનુ કહેવુ છે કે, ઉપરથી દબાણ હોવાના કારણે રાજ્યપાલ વિધાનસભા સત્ર નથી બોલાવી રહ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતી છે વિધાનસભામાં સમગ્ર હકીકતનો ખુલાસો થઇ જશે.
અગાઉ અયોગ્યતા નોટિસ પર ૨૧ જુલાઈએ હાઈકોર્ટે તેનો ચુકાદો ૨૪ જુલાઈ સુધી અનામત રાખ્યો હતો. સ્પીકર સીપી જોશીને કહેવામાં આવ્યું હતું કે તેઓ ત્યાં સુધી આ ધારાસભ્યોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે. જોકે સ્પીકર જોશીએ હાઈકોર્ટના આ ચુકાદાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે સ્પીકરને રાહત આપવાથી ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. જોકે આ ચુકાદો એ બાબત પર નિર્ભર રહેશે કે સ્પીકરની અરજી પર ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટ કેવું વલણ દાખવે છે.
વિધાનસભાના સ્પીકર જોષીએ કોંગ્રેસના પાયલટ સહિત અન્ય ૧૮ જેટલા બળવાખોર ધારાસભ્યોને તેમને ગેરલાયક કેન ન ઠેરવવા એવી આપેલી કારણદર્શક નોટિસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં પાયલટ જુથને અગાઉ રાહત મળ્યા બાદ આજની સુનાવણીમાં હાઇકોર્ટ પાયલટ કેમ્પની નોટિસ અરજી પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. યથાસ્થિતિ આદેશ બાદ હવે કોઈ પણ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. હવે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટને આધીન રહેશે. હાઈકોર્ટે સ્પીકરની નોટિસને સ્ટે કરી દીધી છે. હાઈકોર્ટે માન્યું કે અરજી મેંટેનેબલ છે, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. હવે તમામની નજરો સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રહેશે.
નોટિસ અરજીમાં પાયલટ કેમ્પ તરફથી કેન્દ્ર સરકારને આ મામલામાં પક્ષકાર બનાવવા માટે બુધવારે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ કોર્ટે તેને સ્વીકારી લીધી છે. તેના કારણે હવે કેન્દ્ર સરકાર પણ નોટિસ અરજીમાં પક્ષકાર બની ગઈ છે. હવે આ મામલામાં જવાબ આપવા માટે કેન્દ્ર સરકારના વકીલ હાઈકોર્ટ પાસેથી સમય માંગી શકે છે.
બીજી તરફ, હાઈકોર્ટે નોટિસ અરજી પર યથાસ્થિતિનો આદેશ આપ્યો છે. તેને પાયલટ કેમ્પ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. યથાશક્તિ આદેશ બાદ હવે કોઈ પણ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરી શકે.
કાયદાકિય દાવપેચમાં ફસાયેલા રાજસ્થાનના રાજકીય સંકટની વચ્ચે નોટિસ અરજીમાં સચિન પાયલટના કેમ્પ તરફથી કેન્દ્ર સરકારને મામલામાં પક્ષકાર બનાવવાની અરજીને હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. હવે તેમાં કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. અરજીને સ્વીકારતાં હાઈકોર્ટે વિધાનસભા સ્પીકરની નોટિસ પર દાખલ અરજી પર ચુકાદો સંભળાવતા યથાસ્થિતિ રાખવાનો નિર્દેશ આપ્યો છે. કાયદાના નિષ્ણાતોનું માનવુ છે કે હવે આ મામલે સત્વરે રાજકિય સંક્ટનો કોઇ ઉકેલ આવે તેમ હાલના તબક્કે જણાતું નથી.

Related posts

ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયે મંજૂરી મળે તેવી શક્યતા

Charotar Sandesh

શિવરાજ કેબિનેટનું વિસ્તરણઃ ૨૮ નવા મંત્રીમાં ૧૨ સિંધિયા સમર્થકોને સ્થાન…

Charotar Sandesh

અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનને પણ કોરોના, તિહાડ જેલમાં જ થઈ રહી છે સારવાર…

Charotar Sandesh