બે આરોપીની પોલીસે કરી ધરપકડ…
ગોધરા : પંચમહાલ જીલ્લામાં ગોધરા તાલુકાના છેવાડે આવેલા નદીસર ગામમાં આઇટીઆઇ સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો ગોધરા એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને નકલી માર્કશીટો, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર સહિતના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ કેટલા રૂપિયામાં માર્કશીટ બનાવી આપતા હતા અને કેટલા લોકોને આવી માર્કશીટો આપી છે, તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા તાલુકાના નદીસર ગામમાં રહેતા કેટલાક શખ્સો શહેરા તાલુકામાં આવેલા રેણા(મોરવા) આઇટીઆઇ સંસ્થાની બોગસ માર્કશીટો અને પ્રમાણપત્રો બનાવીને આર્થિક લાભ મેળવી રહ્યા હોવાની બાતમી મળતા ગોધરા એસઓજીને મળી હતી. જેથી પોલીસે નદીસર ગામના ઉદલપુર રોડ ઉપર આવેલા ગીતાજંલી સ્ટુડિયો ઉપર રેડ કરી હતી. જ્યાં તપાસ હાથ ધરતા રેણા(મોરવા)ની આઇટીઆઇ સંસ્થાની ૧૭ જેટલી નકલી માર્કશીટો મળી આવી હતી. એસઓજીએ આ નકલી માર્કશીટ બનાવાના કૌભાંડમાં સામેલ બે યુવાન દિગ્વિજયસિંહ લાકોડ અને સગ્રામસિંહ રાઠોડની ધરપકડ કરી હતી અને માર્કશીટોની સાથે લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર મળીને કુલ ૨૪,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.