પણજી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. દિન પ્રતિદિન નવા કેસમાં તોતિંગ વધારો થતો જોવા મળે છે. અનેક મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. વધુ એક નામ ઉમેરાયું છે ગોવાના મુખ્યમંત્રીનું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. તેમણે પોતે ટિ્વટર પર ટિ્વટ કરીને આ અંગે જાણકારી આપી.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતાના અધિકૃત ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું કે, ’હું તમને લોકોને જણાવવામાં માંગુ છું કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું લક્ષણવિહીન છું અને આથી મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. હું મારા તમામ કામ ઘરેથી કરતો રહીશ. જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે
તેમને મારી સલાહ છે કે તેઓ પણ જરૂરી સુરક્ષા વર્તે. અત્રે જણાવવાનું કે ગોવામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની મહામારીના ૧૮૦૦૬ કેસ સામે આવ્યાં છે. જ્યારે આ વાયરસથી જીવ ગુમાવનારાઓની સંખ્યા ૧૯૪ થઈ ગઈ છે. મંગળવારે કોવિડ ૧૯ સંક્રમણના એક જ દિવસમાં સૌથી વધુ ૫૮૮ નવા દર્દીઓ નોંધાતા રાજ્યની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે.