ન્યુ દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વીય દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે શહેરના પ્રખ્યાત જીબી રોડ એરિયાના દેહવ્યાપાર કરતા બહેનોની મદદ માટે હાથ લંબાવ્યા છે. તેમની ૨૫ દીકરીઓને ભણાવવાની અને તેમની દેખરેખની જવાબદારી ગૌતમે ઉઠાવી છે. જાણકારી અનુસાર ગૌતમ તેમની નાનીના જન્મદિવસે આ શુભકાર્યની શરૂઆત કરવા માંગે છે. તેમણે કહ્યું કે, સમાજમાં દરેક વ્યક્તિને સારુ જીવન જીવવાનો અધિકાર છે. તે આ બાળકીઓને સારુ જીવન આપશે, જેથી બાળકીઓના સપના સાકાર થાય, હાલમાં ૧૦ દીકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે કે જે વિસ્તારની અલગ અલગ શાળામાં અભ્યાસ કરી રહી છે.
૨૫ છોકરીઓની જવાબદારી ઉઠાવવાનો નિર્ણય ગંભીરે કર્યો છે. ગૌતમ ગંભીરે આ મુહિમને પંખ નામ આપ્યુ છે. આ ૨૫ દીકરીઓ દિલ્હીના શેલ્ટર હોમમાં રહેશે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ૫ વર્ષથી ૧૮ વર્ષ સુધીની દીકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી તે દુનિયા સામે લડવા સશક્ત બને. ગૌતમ ગંભીર એક સફળ ક્રિકેટર રહી ચૂક્યા છે, અને તે તેમના સમયના સૌથી સારા ક્રિકેટરમાં ગણાતા હતા. બાદમાં તેમણે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી અને હવે તે તેમની નાનીના જન્મદિવસે આ સારુ કાર્ય કરવા જઇ રહ્યા છે.