લદ્દાખ : લદ્દાખમાં સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે ચીન એક બાજુ વાતચીતનું નાટક કરે છે, અને બીજી બાજુ ઘુસણખોરીના પેંતરા કરતું રહે છે. ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ચીની સૈનિકોએ લદ્દાખમાં પેન્ગોન્ગ સરોવરના દક્ષિણ પહાડ વિસ્તારમાં કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ૩૧ ઓગસ્ટે પણ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. આગામી દિવસ એટલે કે ૧લી સપ્ટેમ્બરે ફરી સમાચાર આવ્યા કે ચીનના સૈનિકોએ ચૂનાર વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો, પણ ભારતીય સેનાના જવાનોએ મારી મારીને ચીની ઘુસણખોરોને ફરી ભગાડ્યા હતા. અમેરિકી પ્રશાસને પણ ભારતીય સૈન્યની પ્રશંસા કરી હતી.
સરહદ પર તણાવ વચ્ચે ભારત-ચીન સેનાઓના બ્રિગેડ કમાંડર લેવલના અધિકારી આજે સતત ત્રીજા દિવસે વાતચીત કરશે. આ મીટિંગ ચુશૂલ સેક્ટરમાં એલએસીથી ૨૦ કિમી દૂર મોલ્દોમાં યોજાશે. આ પહેલા ભારતે ચીનને કહ્યું કે, તે તેના ફ્રન્ટલાઈન જવાનોને કાબૂમાં રાખે. તો આ તરફ ચીનના સરકારી છાપાએ ૧૯૬૨ના યુદ્ધની યાદ અપાવતા ધમકી આપી હતી કે ચીની સેનાથી ભારત પોતાની રક્ષા નથી કરી શકતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાને ગત મહિને જ ઈન્ટેલિજેન્સ ઈનપુટ મળી ગયા હતા કે,
ચીની સૈનિક પેન્ગોન્ગ સરોવારના દક્ષિણમાં નવો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. આ આધારે ભારતીય સેનાએ એક સપ્તાહની તૈયારી કરી અને દક્ષિણ ભાગ પર એલએસી પાસે આવેલા ઠેકાણાઓ પર જવાનોને તહેનાત કરી દીધા. સેનાનું આ અનુમાન ચોક્કસ નીકળ્યું કે ગલવાનથી માંડી પેન્ગોન્ગના ઉત્તર ભાગ અને દેપસાંગમાં ૫ મહિનાથી ચીન જે કાવતરું કરી રહ્યો છે, તેવું જ હવે દક્ષિણ ભાગ પર કરવાની તૈયારીમાં છે. ૨૯-૩૦ જાન્યુઆરીની રાતે જ્યારે ચીનના ૫૦૦ સૈનિક ઘુસણખોરી કરવા પહોંચ્યા તો ભારતીય જવાનોને જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.