Charotar Sandesh
વર્લ્ડ

ચીનમાં કોરોના વાયરસનો કાળો કેરઃ ૪૧ લોકોને ભરખી ગયો…

યુરોપમાં કોરોના વાયરસની એન્ટ્રી, ફ્રાંસમાં ત્રણ કેસ પોઝિટિવ…

કોરોના વાયરસ ૧૨ દેશોમાં પહોંચ્યો, ચીનમાં ૮૦૦થી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં,ભારતમાં પણ ૧૨ દર્દીઓ હોસ્પિટલમાં ડોક્ટર્સના અન્ડર ઓબ્ઝર્વેશનમાં…

બીજિંગ/પેરિસ : ચીનમાં ફેલાયેલા ભયાનક કોરોના વાયરસ હવે ધીમે ધીમે દુનિયાના અન્ય દેશોમાં પણ પગપેસારો કરી રહ્યો છે. ભારત, થાઈલેન્ડ, અમેરિકા, તાઈવાન, જાપાન, વિયેતનામ, સિંગાપુર બાદ હવે આ વાયરસે યૂરોપમાં પણ દસ્તક દીધી છે. ફ્રાંસમાં ૩ લોકો કોરોના વાયરસથી પીડિત હોવાની જાણ થતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીનમાં આ વાયરસ અત્યાર સુધીમાં ૪૧ લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે અને ૮૦૦થી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં છે.
ફ્રાંસના આરોગ્ય પ્રધાન એગ્નેસ બુજિને જણાવ્યું હતું કે, પહેલો કેસ સાઉથ વેસ્ટર્ન સિટીમાં નોંધાયો છે, જ્યારે બીજો કેસ પેરિસમાં. કોરોના વાયરસગ્રસ્ત ત્રીજો વ્યક્તિ એક પીડિતનો જ એક સંબંધી છે. આ ત્રણેય તાજેતરમાં જ ચીનથી પાછા ફર્યા છે અને તેમને હાલ ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. એગ્નેસ કહ્યું કે યુરોપમાં પહેલીવાર કોરોના વાયરસના આ ત્રણ કેસ સામે આવ્યા છે. અમે જાણીએ છીએ કે જે દર્દીઓ ફ્રાંસમાં આવ્યા છે તેઓ જરુર કોઈ સંબંધી અને મિત્રોને મળ્યા હશે અમે તેમની પણ શોધ કરી રહ્યા છીએ.
એગ્નેસે જણાવ્યું હતુઉં કે, આગની માફક જ આ બિમારીનો સત્વરે ઉપયોગ કરવો પડે છે અને જેટલુ બને એટલુ જલ્દી તેનો સ્ત્રોત શોધવો જરૂરી છે. પહેલો દર્દી ૨૨ જાન્યુઆરીએ ચીનના વુહાનથી પાછો ફર્યો હતો. વુહાન ચીનનો એ જ વિસ્તાર છે જ્યાં કોરોના વાયરસ સૌથી વધુ સક્રિય છે.
બીજી બાજુ ભારતમાં પણ કોરોના વાયરસના ભયથી સેંકડો લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી શંકાસ્પદ જણાતા ૧૨ લોકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ૭ લોકો કેરળના છે. જ્યારે ૩ મુંબઈના. હૈદરાબાદ અને બેંગલુરૂનો ૧-૧ દર્દી પણ સારવાર હેઠળ છે. આ લોકો તાજેતરમાં જ ચીન અને હોંગકોંગમાંથી પાછા ફર્યા છે. આ ઉપરાંત ૧૦૦થી વધુ લોકો પર તેમના ઘરમાં જ નજર રાખવામાં આવી રહી છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં અલગ અલગ દેશમાંથી આવતા ૯૬ પ્રવાસીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે પૈકી લગભગ તમામ પ્રવાસીઓ કોરોના વાયરસથી પૂર્ણ રીતે સુરક્ષિત છે.
ચીનમાં ફેલાયેલા કોરોના નામના વાયરસથી દુનિયાભરમાં ફફડાટ ફેલાયો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ચીનમાં ૪૧ લોકોના મોત નિપજ્યા છે. વાયરસના ભયના પગલે ચીને પોતાના ૧૩ જેટલા શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે ૪ કરોડો લોકોના અવરજવર પર પ્રતિબંધ આવી ગયો છે. ચીનના નેશનલ આરોગ્ય વિભાગે જણાવ્યું દેશના કુલ ૨૦ પ્રાંતીય સ્તરેથી કુલ ૧૦૭૨ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
શું છે કોરોના વાયરસ?
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ બેક્ટેરિયાનો સમૂહ છે. જે સામાન્ય શરદીથી લઈને શ્વસન તંત્રની ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. કોરોના વાયરસથી સંક્રમિત થતા વ્યક્તિમાં તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, હાંફી જવુ જેવા લક્ષણ નજરે પડે છે. કોરોના વાયરસ માટે હજુ સુધી કોઈ ઈલાજ શોધી શકાયો નથી. તેમજ કોઈ રસી પણ હાલ ઉપલબ્ધ નથી.

Related posts

નાસાનું પેલોડ લઈને જશે ચંદ્રયાન -૨, ધરતી અને ચંદ્રની વચ્ચેનું માપશે અંતર

Charotar Sandesh

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ નાસાના કાર્યકારી પ્રમુખ બન્યા…

Charotar Sandesh

વિદેશમંત્રી પોમ્પિયોને ભારતના ખેડૂત આંદોલનમાં દખલ દેવા ચિઠ્ઠી લખી…

Charotar Sandesh