૧૫૦૦૦ નવા કેસો નોંધાયા…
બેઇજિંગ : દુનિયાની ચિંતા વધારતો ચીનમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુનો સિલસિલો તેજીથી વધી રહ્યા છે. બુધવારે સૌથી વધુ અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતમાં રેકોર્ડ ૨૪૨ લોકોનાં મોત નીપજ્યાં છે. એ જ દિવસે કોરોના વાયરસના ચેપના આશરે ૧૫,૦૦૦ નવા કેસ સામે આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ તેની માહિતી આપી હતી.
કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા વધીને ૧,૧૧૫ થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૪,૭૬૩ સુધી પહોંચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ પણ હુબેઇ પહોંચી છે. ટીમે કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા ચીની આરોગ્ય અધિકારીઓ સાથે કામ શરૂ કર્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વૈશ્વિક કટોકટી જાહેર કરી દીધી હતી. આ સંસ્થાનું કહેવું છે કે, જો કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે વિશ્વ માટે મોટી આપત્તિ બની શકે છે. હાલમાં ભારત, અમેરિકા,જર્મની અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ અહીં કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટિ કરી છે. આ તમામ દેશો ચીન પર મુસાફરી પર પ્રતિબંધ મુકવા અને તેમના નાગરિકોને ત્યાંથી બોલાવવા સહિતના તમામ સાવચેતી પગલા લઈ રહ્યા છે જેથી તેઓ કોરોના વાયરસના કહેરથી બચી શકે.