ગુવાહાટી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું હતું કે, જયાર સુધી મિડલ ઓર્ડર સતત દબાણમાં સારું પ્રદર્શન ન કરે ત્યાર સુધી ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઇવેન્ટમાં ટ્રોફી જીતવી અઘરી રહેશે. ભારત છેલ્લે ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. ત્યારબાદ ટીમે કોઈપણ મેજર ટૂર્નામેન્ટ જીતી નથી. કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ ટી-૨૦ પહેલા કહ્યું કે, “અમને છઠ્ઠા અને સાતમા ક્રમે દબાણમાં મેચ જીતાડે તેવા ખેલાડીઓની જરૂર છે.”
છેલ્લા કેટલાક સમયથી શ્રેયસ ઐયર સારો દેખાવ કરતો આવ્યો છે. બીજી તરફ ઋષભ પંત અપેક્ષા અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફ્ળ રહ્યો છે. કોહલીએ કહ્યું કે, “આગામી ૨-૩ સીરિઝમાં એ જોવાનું રહેશે કે જયારે હું, રોહિત, રાહુલ અને ધવન ટોપમાં નિષ્ફ્ળ રહીએ તો કયો ખેલાડી દબાણમાં રન બનાવીને મેચ જીતાડે છે.” ભુવનેશ્વર કુમાર અને દિપક ચહર ઇજાના લીધે નહીં રમે, જયારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેવામાં આ સીરિઝમાં નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર પાસે પોતાની પ્રતિભા સાબિત કરવાની તક રહેશે.