સૌરાષ્ટ્ર : કચ્છ બાદ સૌરાષ્ટ્રની ધરતી પણ સતત ધ્રૂજી રહી છે છેલ્લા બે મહિનામાં અહિં ૬૦ કરતાં પણ વધુ ભૂકંપના નાના-મોટા આંચકા નોંધાયા છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના રિસર્ચ મુજબ ભારે વરસાદના કારણે નાના અને હળવા આંચકા અનુભવાતા હોવાનું સામે આવ્યું છે. એક સમયે ગુજરાતમાં કચ્છ એવો જિલ્લો હતો કે, જ્યાં સતત ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાતા હતા પરંતુ હવે સૌરાષ્ટ્રમાં તાલાલા, જામનગર, લાલપુર અને રાજકોટ આસપાસના વિસ્તારમાં સતત બે વર્ષથી ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે.
૧૫ વર્ષના આંકડાઓના રિસર્ચ આધારે સૌરાષ્ટ્રમાં થઈ રહેલી અતિવૃષ્ટિને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગી રહ્યું છે. રાજકોટમાં બે મહિનાથી નોંધાઈ રહેલા આંચકાઓ અંગે પણ ડિપાર્ટમેન્ટે રિસર્ચ શરૂ કર્યું છે. રાજકોટના આંચકા અતિવૃષ્ટિના કારણે હોય તેવું પ્રાઇમરી નથી દેખાઇ રહ્યું જે અંગે અન્ય સંસ્થાઓ સાથે મળીને વિભાગ હાલ કામ કરી રહ્યું છે તેવું સુમેર ચોપરાએ જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં વલસાડને અડીને આવેલ મહારાષ્ટ્રનું પાલઘર પણ હાલ એપીસેન્ટર હોય તેવી સ્થિતી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત પાલઘર અને આસપાસના વિસ્તારમાં હળવા આંચકા નોંધાઈ રહ્યા છે જેની સીધી અસર વલસાડ જિલ્લાના લોકોને પણ થાય છે.