શ્રીનગર : જમ્મુ-કાશ્મીર સ્થિત બિજબેહરામાં શુક્રવારે અને શનિવારે રાત દરમિયાન સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઠાર મરાયેલા બંને આતંકીઓ લશ્કર-એ-તોઇબાના છે.
શુક્રવારે રાત્રે બિજબેહરા સ્થિત સંગમમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટિ્વટ કરીને જણાવ્યું કે, પોલીસ, સીઆરપીએફ અને સેના દ્વારા ચલાવવામાં આવેલા ઑપરેશનમાં લશ્કર-એ-તોઇબાના બે આતંકીઓ ઠાર મરાયા છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે જિલ્લાના ખાન સાહિબ ખાતે ચેક પોસ્ટ ઉભી કરી હતી. આ દરમિયાન ત્યાંથી નીકળતા વાહનોની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન વાગેર ગામના સાકિબ અહમદ લોનની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પ્રતિબંધિત પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ રેકોર્ડ પ્રમાણે લોન ખાન સાહિત વિસ્તારમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને મદદ પૂરી પાડતો હતો. આ ઉપરાંત તેના પર આ વિસ્તારમાં સક્રિય આતંકીઓને આશકો આપવાનો અને તેની લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાનો પણ આક્ષેપ છે. આ મામલે પોલીસ લોનની ધરપકડ કરીને તેની સામે સંબંધીત કલમો લગાડીને કાર્યવાહી શરૂ કરી છે.