સમગ્ર ગુજરાત રાજ્યમાં તથા અલગ અલગ જિલ્લાઓમાં ફીનાઈલ કંપનીનું ઉદ્ઘાટન કરવાનું હોય અને ફીનાઈલનું સેમ્પલ આપી લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી બીજો માલ પાછળ ગાડીમાં આવે છે તેમ કહી નાસી જઈ છેતરપીંડી આચરતો હોવાનું બહાર આવ્યું….
આણંદ : ઉમરેઠના નાસિકવાલા હોલ અને એપીએમસીમાં બે ગઠિયાઓ દ્વારા ફીનાઈલના બહાને કુલ ૧૬ હજારની મત્તાની છેતરપીંડી કરવામાં આવતાં આ અંગે ઉમરેઠ પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં આજરોજ ઉમરેેઠ પોલીસે બાતમી આધારે એક ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૪-૧૧-૨૦૧૯ના રોજ ઉમરેઠના નાસિકવાલા હોલમાં એક શખ્સ ૨૦ લીટરનોં કારબો ભરીને ફીનાઈલ લઈને આવી ચઢ્યો હતો અને તેણે મેનેજર વિશાલભાઈ ઠાકોરલાલ ગાંધી તેમજ કૃપાલભાઈ રાજુભાઈ પ્રજાપતિને જણાવ્યું હતુ કે, મારા શેઠ જે. કે. શાહે ફીનાઈલની ફેક્ટરી નાંખી છે. આ ૨૦ લીટર ફીનાઈલ છે અને બીજુ ટેમ્પીમાં મોકલી આપું છું તેમ જણાવીને ૫ હજારની માંગણી કરતાં વિશાલભાઈને ફીનાઈલ પસંદ પડી જતાં ૫ હજાર આપી દીધા હતા. ઘણી રાહ જોઈ છતાં પેલા ગઠિયાએ ફીનાઈલની ટેમ્પી ના મોકલતા તેણે આપેલા બન્ને મોબાઈલ નંબરો પર સંપર્ક કર્યો હતો પરંતુ બન્ને ફોનો સ્વીચ ઓફ થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ આ ગઠિયાઓ લાલ કલરની બ્રેજા કાર લઈને એપીએમસી ઉમરેઠ ખાતે ગયા હતા અને ત્યાં ચેરમેન સુજલભાઈના નામે ૨૦ લીટર ફીનાઈલ આપીને બીજુ ફિનાઈલ મોકલી આપીએ છીએ તેમ જણાવીને ત્યાંથી ૧૨૦૦૧ રોકડા લઈને ત્યાંથી રફુચક્કર થઈ જવા પામ્યા હતા. ઘણી રાહ જોવા છતાં પેલા બન્ને ગઠિયાઓ પરત આવ્યા નહોતા કે ફીનાઈલ પણ આવ્યુ નહોતુ. જેથી આજે ઉમરેઠ પોલીસ મથકે આવીને ફરિયાદો આપી હતી.
જે ગુના અનુસંધાને જિલ્લા પોલિસ અધિક્ષક અજીત રાજીયાણ સાહેબ નાઓની સુચના અનુસાર તથા ના.પો.અધિ.શ્રી બી.ડી.જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ. જે સુચના અનુસાર ઉમરેઠ પો.સ્ટે.ના પીએસઆઈ પી.કે. સોઢા, એએસઆઈ બાબુભાઈ રતીલાલ, અ.હે.કો. પરેશકુમાર બહેચરભાઈ, અ.હે.કો. વિક્રમસિંહ હરૂભા, અ.પો.કો. ભરતકુમાર, અ.પો.કો. અનિરૂદ્ધસિંહ નાઓની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા જરૂરી પેટ્રોલીંગ રાખવામાં આવેલ. તે દરમ્યાન ઉમરેઠ પો.સ્ટે.ના અ.હે.કો. પરેશકુમાર બહેચરભાઈ નાઓએ સદર ગુનાઓ અનુસંધાને ટેક્નિકલ મદદથી તપાસ કરતાં ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે એક લાલ કાળા કલરની બ્રિઝા ગાડી નડીઆદ તરફથી ઉમરેઠ તરફ આવનાર છે. અને સદર ગાડીમાં ફીનાઈલના કેરબા ભરેલ છે અને તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ નાઓ ઓડ ચોકડી વોચમાં હતા. તે દરમ્યાન ઉપરોક્ત નંબરવાળી ગાડી આવતા તેને રોકી લીધેલ. ને સદર ગાડીના નામઠામ પુછતાં પોતાનું નામ ધવલભાઈ સતિષભાઈ બારોટ, રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ, બાપુનગર અમદાવાદ નો હોવાનું જણાવેલ. સદર ગાડીમાં તપાસ કરતા ફીનાઈલ ભરેલ કેરબા નંગ ર, મોબાઈલ નંગ ર, સીમકાર્ડ નંગ ર તથા આરોપીની અંગજડતીમાંથી રૂ. ૩,૭૫૦ મળી આવેલ. જેની કડક પુછપરછ કરતાં ગુનોઓની કબુલાત કરેલ. આ સાથે અન્ય એક કુટુંબી ભાઈ અંકિત ધીરજભાઈ બારોટ, રહે. અમદાવાદ નાઓએ બંનેએ ભેગા મળી આ રીતે ફીનાઈલ કંપનીનું ઉદ્ઘાટન કરવાનું હોવાનું જણાવી ૬૯ જેટલી જગ્યાએ છેતરપીંડી આચરેલ હોવાનું બહાર આવતાં એકની ધરપકડ કરવામાં આવેલ છે. અને બીજા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- Jignesh Patel, Anand