અમદાવાદ : એક તરફ કોરોનાના વિકટ સમયગાળામાં દેશ દુનિયામાં લાખો-કરોડો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, તેવામાં રાજ્યની એક માત્ર ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ડિપ્લોમા- ડીગ્રી ઈજનેરી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ વિદ્યાશાખાના ૮૮૬૫ વિદ્યાર્થીઓએ કોરોનાને નોક ડાઉન કરીને નોકરી મેળવી છે. ઈજનેરીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષાનુ પરિણામ જાહેર થવાનુ હજી બાકી છે, ત્યારે તેમણે વાર્ષિક રૂ. ૧,૮૦,૦૦૦થી રૂ. ૧૦ લાખ સુધીનુ જોબ પેકેજ મેળવવામાં સફળતા મેળવી છે.
આ વિદ્યાર્થીઓ દીવાળી પહેલાં જોબ જોઈન કરશે. જીટીયુના અમદાવાદ કેમ્પસ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત રીજનમાં આવતી કોલેજોના સીધા જ સંકલન સાથે એપ્રિલ, મે, જૂન મહીના દરમ્યાન જીટીયુનુ પ્લેસમેન્ટ રાખવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈટી, પાવર સેક્ટર. ફાર્મસી સેક્ટર, કેમિકલ સેક્ટર, પેટ્રોલિયમ, મરીન એન્જિનિયરીંગ સહિતના વિવિધ સેક્ટરની ૫૦થી વધુ કંપનીઓ તરફથી ડિપ્લોમા ઈજનેરી, ડીગ્રી ઈજનેરી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના ફાઈનલ યરના ૬૦થી વધુ કોલેજોના ૮૮૬૫ વિદ્યાર્થીઓને સારા પગાર સાથેની જોબ ઓફર કરી છે. ડિપ્લોમા ઈજનેરીનુ સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. ૪,૫૦,૦૦૦ આસપાસ છે.
જ્યારે ડીગ્રી ઈજનેરીનુ સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. ૩.૫૦ લાખ આસપાસનુ છે. જોબ ઓફર કરનાર કંપનીઓએ વિદ્યાર્થીઓનો કોલેજોમાં શૈક્ષણિક દેખાવ તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે જરૂરી અભિયોગ્યતાની ઓનલાઈન ઈન્ટરવ્યુ દ્વારા ચકાસણી કરી હતી.ઉલ્લેખનીય છે કે દેશ વિદેશની જાણીતી કંપનીઓ તરફથી જે વિદ્યાર્તીઓને જોબ ઓફર કરાઈ છે, તે વિદ્યાર્થીઓની સરેરાશ ઉમંર ૨૦થી ૨૨ વર્ષની આસપાસ છે.