ન્યુ દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબરા ખાતે ત્રણ ્-૨૦ સીરિઝની પહેલી મેચમાં કન્કશન સબ્સ્ટિટયૂટ નિયમ ચર્ચાનો વિષય બન્યો હતો. ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાને મિચેલ સ્ટાર્કનો બોલ માથે વાગ્યો હતો. તે પછી ફિલ્ડિંગ દરમિયાન તેના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો. ચહલે સારી બોલિંગ કરતા ૪ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે કન્કશન સબ્સ્ટિટયૂટના નિયમ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ગાવસ્કરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, હું કન્કશન સબ્સ્ટિટયૂટના કોન્સેપ્ટમાં માનતો નથી. જો બેટ્સમેન બાઉન્સર નથી રમી શકતા તો તેઓ સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ નથી કરતા. કદાચ હું ઓલ્ડ ફેશન્ડ છું એટલે માનવું છે કે જો બોલ તમારા હેલ્મેટને વાગે તો તમે સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ કરતા નથી. અત્યારે તેને પરવાનગી આપવામાં આવે છે, અને ચહલે જાડેજાને રિપ્લેસ કર્યો તેમાં કઈ પ્રોબ્લમ જેવું નહોતું. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મોઝેઝ હેનરિક્સે કહ્યુ કે, ચહલ જાડેજાનો લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટ નહોતો. આ અંગે પોતાનું રિએક્શન આપતા ગાવસ્કરે કહ્યુ કે, આ બાબતે કોઈ કોન્ટ્રોવર્સી ન હોવી જોઈએ, કારણકે મેચ રેફરી ડેવિડ બૂન પોતે એક ઓસ્ટ્રેલિયન છે.
બૂનને ચહલ જાડેજાને બદલે રમે તેમાં વાંધો નહોતો. ગાવસ્કરે વધુમાં કહ્યુ કે, લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટનું કહેવામાં આવે છે. તમે કહી શકો છો કે ચહલ ઓલરાઉન્ડર નથી, પરંતુ મારા અનુસાર જે કોઈપણ બેટિંગ કરવા જાય છે અને ૧થી ૧૦૦ રન કરે છે તે બધા ઓલરાઉન્ડર છે. તે બોલિંગ કરે છે એટલે લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટ છે. ઓસ્ટ્રેલિયન મેચ રેફરીને કોઈ વાંધો નહોતો તો આ બાબતે કોઈને પણ કોઈ પ્રોબ્લમ ન જ હોવી જોઈએ.