મુલાકાત પહેલાં બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
ન્યુ દિલ્હી,
આફ્રિકાના દેશ ઝાંબીયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લુંગૂ મંગળવારે ત્રણ દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલી વખત છે જ્યારે આફ્રિકન દેશના પ્રમુખની પીએમ મોદી સાથે મુલાકાત થઇ રહી હોય. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને એડગર ચાગ્વા લુંગૂ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થઇ.
વિદેશ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે, ’’આ દરમિયાન થનારી ચર્ચામાં રક્ષા, સુરક્ષા, ભૂવિજ્ઞાન અને ખનિજ સંસાધનો, ઉર્જા, શિક્ષા, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને વેપાર અંગેના મુદ્દાઓ સામેલ હશે. તે સિવાય બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા એ પણ આ વાતચીતનો મુખ્ય ભાગ હશે.
મુલાકાત પહેલા ઝાંબીયાના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મુલાકાત પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એપ્રિલ મહિનામાં ઝાંબીયાના પ્રવાસે ગયા હતા. આ સમયે તેમણે રાષ્ટ્રપતિ લુંગૂને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ લુંગૂ સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. તેમાં ઝાંબીયાના વિદેશમંત્રી જોસેફ મલાંજી, વાણિજ્ય મંત્રી ક્રિસ્ટોફર યાલુમા, ખાણ અને ખનીજમંત્રી રિચર્ડ મુસુક્કા તેમજ અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ છે.