મેલબર્ન : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોનું માનવું છે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે આગામી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્યાંના દર્શકોને કારણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પરંતુ આ સાથે તેમણે કહ્યું કે, તેનાથી બંન્ને ખેલાડી સારૂ કરવા માટે પ્રેરિત થશે.
૨૦૧૮માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્મિથ અને વોર્નર સિવાય કેમરન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગના મામલામાં ફસાયા હતા. સ્મિથ અને વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો, તો બેનક્રોફ્ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ તે બંન્ને પ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં રમશે. સ્ટીવ વોએ કહ્યું, તે બંન્ને હાથથી તેનું સ્વાગત કરશે. કેટલિક ટિપ્પણીઓ પણ થશે, પરંતુ તે રમતનો ભાગ છે. તે તેની આશા રાખી રહ્યાં હશે. ઈંગ્લેન્ડમાં આમ થયું હતું, પરંતુ તેની અસર પ્રદર્શન પર ન પડી. પૂર્વ કેપ્ટને કહ્યું, ’એઝબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્મિથની ઈનિંગને જુઓ. દર્શકો સતત તેની મજાક ઉડાવી રહ્યાં હતા, પરંતુ તેણે ૧૪૦ રનની શાનદાર ઈનિંગ રમી.’
તેમણે કહ્યું, ’હું કહીશ કે દક્ષિણ આફ્રિકાની જનતાએ આમ કરવું જોઈએ, કારણ કે આ ખેલાડીઓને સારૂ કરવાની પ્રેરણા મળશે અને તે રન બનાવશે. તે ખુબ સ્વાભાવિક છે. મને આશા છે કે તે સારી ભાવનાની સાથે થશે અને વધુ આગળ નહીં વધે.’