ભારતના તોતિંગ ૩૪૮ રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે ૧૧ બોલ પહેલાં વિજય મેળવ્યો…
શ્રેયસ અય્યરની સદી એળે,રાહુલે આક્રમક બેટિંગ કરી ૮૮ રન ફટકાર્યા, ભારતના સ્પિનરો ફ્લોપ કુલદિપે ૮૪ રન આપી બે વિકેટ મેળવી, ટેલરે અણનમ ૧૦૯ રનની વિજયી ઇનિંગ્સ રમી…
બીજી વન-ડે ૮ ફેબ્રુઆરીએ ઓકલેન્ડ ખાતે રમાશે…
ન્યુ દિલ્હી : રોસ ટેલર (૧૦૯*)ની સદી, હેનરી નિકોલ્સ (૭૮) ટોમ લાથમ (૬૮)ની શાનદાર ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે અહીં સેડોન પાર્કમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને ૪ વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યર (૧૦૩), રાહુલ (૮૮) અને વિરાટ કોહલી (૫૧)ની મદદથી ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૪૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે ૪૮.૧ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૩૪૮ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ જીત મળી છે. આ પહેલા ભારતે ૫ મેચોની ટી૨૦ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને ૫-૦થી પરાજય આપ્યો હતો. વિશ્વકપની ફાઇનલ બાદ આ ન્યૂઝીલેન્ડની પ્રથમ વનડે મેચ હતી. સદી ફટકારનાર ટેલરને મેન ઓફ ધ મેચ અપાયો હતો.
ભારતે આપેલા વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમને બંન્ને ઓપનર હેનરી નિકોલ્સ અને માર્ટિન ગુપ્ટિલે સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ ૧૦ ઓવરના પાવરપ્લેમાં વિના વિકેટે ૫૪ રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ સફળતા ૧૬મી ઓવરમાં મળી હતી. શાર્દુલ ઠાકુરે માર્ટિન ગુપ્ટિલ (૩૨)ને કેજાર જાધવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. કીવીના બંન્ને ઓપનરોએ ૮૫ રન જોડ્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવે પર્દાપણ કરી રહેલા ટોમ બ્લેંડલને રાહુલના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. બ્લેંડલે ૯ રન બનાવ્યા હતા. કીવી ટીમને ત્રીજો ઝટકો હેનરી નિકોલ્સના રૂપમાં લાગ્યો હતો. નિકોલ્સ ૮૨ બોલમાં ૭૮ રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડે ૧૭૧ રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટોમ લાથમે ક્રીઝ પર આવીને રોસ ટેલરનો સાથ આપ્યો હતો. બંન્નેએ ચોથી વિકેટ માટે ૧૩૮ રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન રોસ યેલરે ૪૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો લાથમે ૩૮ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમનો સ્કોર ૩૦૯ રન હતો ત્યારે ટોમ લાથમ (૬૯) કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. લાથમે ૪૮ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જેમ્સ નીશામ ૯ રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. કોલિન ડિ ગ્રાન્ડહોમ માત્ર ૧ રન બનાવી રનઆઉટ થયો હતો.
ભારતના બંન્ને સ્પિનરો મોંઘા સાબિત થયા હતા. રવિન્દ્ર જાડેજાએ ૧૦ ઓવરમાં એકપણ વિકેટ ઝડપ્યા વિના ૬૪ રન આપ્યા હતા. તો કુલદીપ યાદવે ૧૦ ઓવરમાં ૮૪ રન આપીને બે સફળતા મેળવી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ૫૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૪૭ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે પોતાના વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. અય્યરે પ્રથમ વનડે સદી કરિયરની ૧૬મી મેચમાં ફટકારી હતી. અય્યરે ૧૦૭ બોલમાં ૧૦૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૧૧ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય વિકેટકીપર કેએલ રાહુલે પાંચમાં ક્રમે બેટિંગ કરતા ૬૪ બોલમાં ૮૮ રનની ઈનિંગ રમી હતી. રાહુલે વનડેમાં પોતાની ૭મી અડધી સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઈનિંગમાં ૩ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન કોહલીએ ૫૧ રનનું યોગદાન આપ્યું હતું.