સુરત : વલસાડ સ્ટેશને બાંદ્રા બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના એસ-૮ કોચમાં રવિવારે રાત્રે વાપી સ્ટેશનેથી દારૂ લઇને ચઢેલા બુટલેગરો સાથે યાત્રીની અંદર અંદરની બબાલને લઇ મામલો બીચક્યો હતો. દારૂની ખેપ મારતા બુટલેગરોએ પેસેન્જરને ચાકુ બતાવીને ધમકાવ્યા હતા. આખરે પેસેન્જર દ્વારા ટ્રેનની ચેન પુલિંગ કરી રેલવે પોલીસને બોલાવવામાં આવી હતી. જોકે, દારૂની ખેપ મારનાર ટ્રેનમાંથી ફરાર થઇ ગયા હતા જ્યારે મહિલા બુટલેગર પોલીસના હાથે ઝડપાય હતી. યાત્રીઓએ ટ્રેનને ચેનપુલિંગ કરતા બાકીના બુટલેગરો કોચમાંથી ઉતરી ભાગી ગયા હતા.
બાંદ્રા બિકાનેર ટ્રેનના કોચ નં.જી/૮માં વાપી રેલવે સ્ટેશનથી ૨ મહિલાઓ અને ૪ જેટલા પુરૂષો દારૂના જથ્થા સાથે કોચમાં આવ્યા હતા. આવતાની સાથે કોઈક કારણોથી અંદરઅંદર ઝઘડો કરી રહ્યા હતા. રેલ યાત્રીઓ તેમને ઝઘડો ન કરવા અને શાંતિ જાળવવા સમજાવવા જતા બુટલેગરો પૈકી એક ઈસમે ચપ્પુ બતાવી યાત્રીને તેમના ઝઘડામાં વચ્ચે ન પાડવા સૂચના આપી હતી. કોચના તમામ યાત્રીઓ મળીને ટ્રેનમાં પોલીસ જવાનોને શોધી રહી હતી. ટ્રેનમાં એકપણ જવાન ન મળતા યાત્રીઓએ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ચેનપુલિંગ કરીને ટ્રેનને અટકાવી હતી. એક મહિલા
બુટલેગરને યાત્રીઓએ પકડી રાખી હતી. બાકીના બુટલેગરો ટ્રેન ઉભી રહેતા કોચમાંથી ઉતરી ગયા હતા.
પોલીસ જવાનને બોલાવવાની માંગ યાત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. વલસાડ જીઆરપી પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ જવાનો આવી પહોંચતા એક મહિલા બુટલેગરને પોલીસને સોંપવામાં આવી હતી. વલસાડ રેલવે પોલીસે એક મહિલાની ધડપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ટ્રેનમાં યાત્રીઓની સુરક્ષા માટે પોલીસ જવાનો ફાળવવા યાત્રીઓએ માંગ કરીને હંગામો મચાવ્યો હતો. પોલીસ જવાનો ફાળવવામાં આવતા યાત્રીઓ શાંત થયા હતા. સુરત રેલવે સ્ટેશન ટ્રેન પહોંચતા યાત્રીઓએ ટ્રેનમાં સવાર ૩ અન્ય મહિલા બુટલેગરોને ઝડપીને સુરત રેલવે પોલીસને સોંપવામાં આવી હતી.