Charotar Sandesh
ગુજરાત

ઠંડી અને ઉપરથી રાત્રિ કરફ્યૂનો લાભ લઇ વડોદરામાં તસ્કરોએ ૧૭ દુકાનોના તાળા તોડ્યા…

વડોદરામાં આ ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો…

વડોદરા : રાત્રિ કરફ્યૂ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે વડોદરાના પાસેના બાજવા-કોયલી રોડ ઉપર આતંક મચાવ્યો હતો. તસ્કરો એક કલાકમાં બાજવા-કોયલી રોડ ઉપર આવેલા સાગર રેસિકમ પ્લાઝામાં રેડીમેઇડ કપડાના બે શો રૂમ સહિત ૧૭ દુકાનોના તાળાં તોડી રોકડ અને સામાન સહિત લાખોનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. તસ્કરો એક પાન કોર્નરમાંથી ૧ લાખ રૂપિયાની સિગારેટ પણ ચોરી કરી ગયા હતા. વડોદરા નજીક બાજવા-કોયલી રોડ ઉપર પાંચ મજલી સાગર રેસીકમ પ્લાઝા નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં ૭ દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનો ભવ્ય શો રૂમ, ૫ દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નર ઉપરાંત ઇલેકટ્રોનિક્સ, ઇલેકટ્રીકલ સહિત વિવિધ ચીજવસ્તુઓના વ્યવસાયની દુકાનો આવેલી છે.
રાત્રિ કરફ્યૂ અને શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે ૧ વાગે કોમ્પ્લેક્ષની દુકાનોને નિશાન બનાવી હતી. ત્યાર બાદ તબક્કાવાર એક કલાકના સમયમાં કોમ્પ્લેક્સ સ્થિત ૧૭ જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા. ચોરોએ દુકાનોમાંથી રોકડ તેમજ સામાનની ચોરી કરી ગયા હતા. ગૃરૂકૃપા પાન કોર્નરમાંથી રૂપિયા ૧ લાખ કિંમતની સિગારેટની ચોરી કરી હતી. સવારે દુકાનો ખોલવા માટે આવેલા માલિકોને કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. સાગર કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
આ સાથે આ બનાવની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં અને કોમ્પ્લેક્સ સ્થિત સીસીટીવી ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરીને ત્રાટક્યા હતા. તસ્કરો સરદારજી હોવાનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે. બાજવામાં એક સાથે ૧૭ જેટલી દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રનું રાત્રિ પેટ્રોલીંગ કાગળ ઉપરજ ચાલી રહ્યું છે.

Related posts

અમદાવાદ એરપોર્ટની મુસાફરોની સલામતીમાં વધારો કરાશે : ૮૫૦ જવાનોમાંથી ૧૪૦૦ કરાશે

Charotar Sandesh

ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૫-૧૦-૨૦૨૪

Charotar Sandesh

અમદાવાદથી કેવડિયા સી-પ્લેનનું બુકિંગ એક જ દિવસમાં રોકાવું પડ્યું…

Charotar Sandesh