દ.ગુજરાતમાં યસ બેંકના ૪ લાખથી વધુ કસ્ટમર, ૩ હજાર કરોડનું ટર્નઓવર…
સુરત : આરબીઆઈએ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા. ૫ માર્ચથી ૩ એપ્રિલ સુધી ખાતેદારો રૂ. ૫૦,૦૦૦ જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો શહેરના યસ બેંકની સાથો-સાથ અન્ય બેંકોના એટીએમોમાં પણ દોડતાં થયા છે. હાલ વલસાડ-સુરતમાં યસ બેંકની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ક્રેડિટ-ડેબિટ કાર્ડ બ્લોક થઈ જવાના કારણે યસ બેંકની સાથે અન્ય બેંકોના એટીએમમાંથી પણ રૂપિયા ઉપડી શક્યા નથી. સાથો-સાથ નેટ બેકિંગ માટેની મોબાઈલ એપ્લિકેશન પણ બ્લોક થઈ જતાં ખાતેદારો ચિંતા વધી છે. ૩૦૦૦ કરોડનું ટર્નઓવર દક્ષિણ ગુજરાતમાં હોવાની સાથે આ બેંકની કુલ ૧૮ શાખાઓ છે. જેમાં ૪ લાખથી વધુ કસ્ટમર હોવાનું આંતરિક સૂત્રોએ ફોડ પાડ્યો છે.
આ અંગે શહેરની યસ બેંક બ્રાંચના એક ડેપ્યુટી અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, ચેક મારફતે રોકડ રકમ ખાતેદારો આરબીઆઈ દ્વારા અપાયેલી મર્યાદા પ્રમાણે ઉપાડી શકશે. વધુ ગાઈડલાઈન બેંકો કાર્યરત થાય તે પછી જ જાણી શકાશે.
રાજકોટની યસ બેંકમાં હોબાળો… ખાતેદારોની અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી…
યસ બેંકમાથી મહિને ૫૦ હજાર જ ઉપડશે તે વાતને લઇ રાજકોટમાં યસ બેંકના ખાતાધારકોએ રાતથી એટીએમ પર પૈસા ઉપડવા લાઇનો લગાવી હતી. જેને લઇ સવારે બેંક દ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. એટલુ જ નહીં રોષે ભરાયેલા ગ્રાહકોએ બેંકના અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઘર્ષણ પણ કર્યું હતું. જો કે બેંકે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ હતું અને પોલીસ દોડી ગઇ હતી. જેના પગલે મામલો શાંત થયો હતો. જો કે પૈસા ઉપાડવા લાઇનો યથાવત જોવા મળી રહી છે. જ્યારે અમુક એટીએમમાંથી પૈસા ઉપડી શકતા ન હોય લોકો રોષે ભરાયા છે.