નિર્ભયા કેસ : દિલ્હી કોર્ટે આગામી આદેશ સુધી ફાંસી પર રોક લગાવી…
ન્યુ દિલ્હી : દિલ્હીના ચકચારી નિર્ભયા કાંડના ચાર પૈકીના એક દોષિત પવનની ક્યુરેટીવ ફરજી સુપ્રિમ કોર્ટમાંથી ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા પણ તેની દયાની અરજી તાબડતોડ ફગાવી દેતા તમામ ચારને એક સાથે ફાંસીના માંચડે લટકાવવાનો માર્ગ લગભગ મોકળો થઇ ગયો છે. જો છેલ્લીઘડીએ પટિયાલાહાઉસ કોર્ટ દ્વારા આગામી આદેશ સુધી ફાંસી પર રોક લગાવવાનો આદેશ અપાતા આવતીકાલે ૩ માર્ચના રોજ દોષિતોને ફાંસી નહીં થાય. અને કાયદાકીય આંટીઘૂટીનો લાભ કે ગેરલાભ દોષિતો લઇ રહ્યાં છે અને ફાંસીના અમલને રોકવાના હજુ પણ હવાતિયાં મારી રહ્યાં છે. તે સાથે જ આ સમગ્ર કેસ ફરીએકવાર તારીખ પે તારીખ…તારીખ પે તારીખ..ની જેમ લંબાઇ રહ્યો છે. જેને લઇને કાયદાના નિષ્ણાતોમાં અને સામાન્ય લોકોમાં આ કેસને લઇને હવે નારાજગી પણ જોવા મળી રહી છે. અને આવા કેસમાં કાયદામાં દોષિતોને જે લાભ મળે છે તે જોગવાઇઓમાં ફેરફારો કરવાની પણ માંગ થાય તો નવાઇ નહીં.
દોષિતોના વકીલો દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેને જોતાં લાવવામાં આવતીકાલ ૩ માર્ચના રોજ ચારેયને એક સાથે ફાંસી નહીં અપાય. અને છેલ્લાં ૭ વર્ષ અને ૩ મહિનાથી કાયદાની અદાલતમાં અટવાયેલા આ કેસનો હજુ અંત આવ્યો નથી. અને તે સાથે જ ભોગ બનેલી દિલ્હીની મેડિકલની છાત્રની આત્માને અને તેમના પરિવારજનોને પણ ક્યારે શાંતિ અને સંતોષ મળી શકશે તે પણ નક્કી નથી. નિર્ભયાની માતાએ જો કે બપોરે એવો પૂરોપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાલે ત્રીજીએ તો આ નરાધમોને ચોક્કસપણે ફાંસી અપાશે અને અમને આખરે ન્યાય મળશે. પરંતુ તેમને પણ ફરીએકવાર નિરાશ થવુ પડ્યું હતું અને કાયદામાં માત્ર દોષિતોને જ બધા અધિકારો આપવામાં આવ્યાં છે, જે ભોગ બન્યા તેના અધિકારોનું શું..એવા સવાલો પણ કર્યા હતા. અને ફરી એકવાર આશા વ્યક્ત કરી હતી કે તેમને અને તેમની નિર્દેોષ દિકરીને ન્યાય મળશે.
આજે દિવસભર નિર્ભયા કેસમાં સુપ્રિમ કોર્ટ અને રાષ્ટ્રપતિભવન પર સૌ કોઇની નજર રહેલી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ૩ માર્ચના રોજ ચારેય નરાધમોને ફાંસી આપવાનો ત્રીજો ડેથ વોરંટ ઇસ્યુ કર્યો હતો. જેની સામે પવન ગુપ્તા કે જેની પાસે રાષ્ટ્રપતિને દયાની અરજીનો છેલ્લો વિક્લ્પ બચ્યો હતો. તેના વકીલે સુપ્રિમે તેની ક્યુરેટીવ રીટ ફગાવી દેતા તરત જ દયાની અરજી કરવામાં આવી અને પટિયાલા હાઉસ કોર્ટને તેની જાણ કરતાં કોર્ટે ફાસીના અમલ પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બીજી બાજુ દયાની અરજી આજે જચ ગણતરીના કલાકોમાં ફટાફટ ફગાવી દેવામાં આવતાં હવે ચારેય નરાધમો પાસે બચવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. આ લખાય છે ત્યાં સુધી કાલે ત્રીજીએ ચારેયને ફાંસી અપાશે કે કેમ તેના પર રહસ્ય સર્જાયેલુ રહ્યું હતું. જો કે સાંજે નીચલી કોર્ટે આદેશ આપ્યો હતો કે બીજો હુકમ ના થાય ત્યાં સુધી આ કેસના દોષિતોને ફાંસી અપાશે નહીં. આમ એક રીતે જોતા પવનને કાયદાકીય જોગવાઇ પ્રમાણે ૧૪ દિવસનો લાભ મળતાં ચારેયની ફાંસી રોકી દેવામાં આવી હતી. હવે નીચલી કોર્ટે ચોથુ ડેથ વોરંટ બહાર પાડવુ પડશે કે કેમ તે પણ જોવુ રહ્યું.
ચાર દોષિતોમાંથી, એક પવન ગુપ્તા છે જેની પાસે દયા અરજીનો વિકલ્પ હતો. જાણવા મળ્યું છે કે તેમણે આજે સોમવારે રાષ્ટ્રપતિને તેમની દયા અરજી મોકલી અને રાષ્ટ્રપતિ દ્વારા પવનની દયા અરજી નામંજૂર કરવાના અહેવાલ આવ્યાં હતા. જો કે નિયમ મુજબ, દયાની અરજી નામંજૂર થયા પછી પણ, મૃત્યુદંડની સજા મેળવનાર દોષીને ૧૪ દિવસનો લાભ મળે છે. એટલે કે તેની સજા ત્યાં સુધી રોકી લેવામાં આવે છે. તેથી તેનો લાભ અપાયો તેનું પાલન કરાયું હોવાથી ચારેયને કાલે ત્રીજીએ ફાંસી આપી શકાશે નહીં એમ પણ કાયદાના નિષ્ણાતોનું માનવુ હતું.
પટિયાલા હાઉસ કોર્ટે, તમામ નિયમોને જાણીને અને સમજીને પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે બાકી છે, તેમ છતાં, ફાંસીના અમલને રોકવાની બપોરે ના પાડી હતી. દરમ્યાન, નિર્ભયાની માતાએ કહ્યું કે, દુનિયા જોઈ રહી છે કે, તેમની દિકરીના દોષિતોના વકીલો કેવી રીતે કોર્ટને ગેરમાર્ગે દોરીને ફાંસીની સજા ટાળી રહ્યા છે. તેઓ ગમે તેટલો બચાવ કરે તો પણ નરાધમો ફાંસીથી બચી શશકે તેમ નથી. તેમના ગુનાની સજા તેમને મળશે જ.
દિવસની ઘટનાક્રમને જોઇએ તો દોષિત પવનના વકીલ એપી સિંહ ફરી એક વાર પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગયા હતા. અને તેમનું કહેવું હતું કે, ડેથ વોરન્ટ પર સ્ટે લગાવવો જોઈએ કારણે પવને રાષ્ટ્રપતિ સામે દયાની અરજી કરી છે. આ મામલે આજે બપોરે ૨ વાગે સુનાવણી થવાની છે. જોકે નિર્ભયાની માતાનો દાવો છે કે, કાલે જ દોષિતોને ફાંસી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ આજે સોમવારે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યુરેટિવી પિટીશન ફગાવી દીધી છે. પવને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી. તેના વકીલ એપી સિંહે ઓપન કોર્ટમાં સુનાવણીની માંગણી કરી હતી. જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ૫ જજની બેન્ચે કહ્યું કે, સજા પર પુનઃવિચાર વિશે કોઈ સવાલ જ ઉભો થતો નથી.
પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરીને ચારેયને ફાંસી આપવા માટે ૩ માર્ચની તારીખ નક્કી કરી હતી. રવિવારે તેના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, આ કેસ મોતની સજા સાથે જોડાયેલો છે, તેથી તેની પિટીશન વિશે ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ.
આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને ૩ માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી. તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને ૨ માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું. અક્ષયે અરજીમાં કહ્યું હતું કે, તેણે નવી દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી છે અને તે વિશે હજી કોઈ નિર્ણય આવ્યો નથી. તેના વકીલના જણાવ્યા પ્રમાણે ગઈ દયા અરજીમાં પૂરતા તથ્યો નહતા, તેથી તે ફગાવવામાં આવી હતી.
નિર્ભયાની માતા આશાદેવીએ આજની સુનાવણી પહેલાં કહ્યું છે કે, હું કોર્ટની નિષ્ક્રિયતાના કારણે દુખી છું. સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, વકીલો કેવી રીતે કોર્ટમાં ફાંસી પર અમલ નથી થવા દેતા. આરોપીઓએ ફાંસીના બે દિવસ પહેલાં જ અરજી કરી છે. હું જાણવા માંગુ છું કે, સુપ્રીમ કોર્ટ આટલો સમય કેમ લઈ રહી છે. જ્યારે નિર્ણય થઈ ગયો છે તો અમલમાં સમય ન થવો જોઈએ.