Charotar Sandesh
સ્પોર્ટ્સ

ત્રણ વન-ડેમાં યુવરાજના ત્રણ અદ્દભૂત કૅચથી બાજી ફરી અને ભારત જીત્યું…

ક્રિકેટઃ કુછ મૅચ ઐસી ભી…

મુંબઇ : ભારતને ક્રિકેટના મેદાન પર આંગણીને વેઢે ગણી શકાય એવા વિશ્ર્‌વ સ્તરના ફીલ્ડરો મળ્યા છે. એમાં એકનાથ સોલકર, મોહંમદ કૈફ, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને મન્સૂર અલી ખાન પટૌડીના નામ તો લેવા જ જોઈએ, યુવરાજ સિંહનો ઉલ્લેખ પણ જો ન થાય તો આ યાદી અધૂરી કહેવાય.
યુવરાજ સિંહ બૅટિંગ અને સ્પિન બોલિંગમાં માહેર ખરો એટલે દેશના ટોચના ઑલરાઉન્ડરોમાં તો ગણાય જ છે, તેની ફીલ્ડિંગ પણ ગજબની હતી. વર્તમાન ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને શિખર ધવનની ફીલ્ડિંગ કાબિલેદાદ છે, પરંતુ યુવરાજ ૨૦૧૭માં ભારત વતી છેલ્લી મૅચ રમ્યો ત્યાં સુધી તેનું નામ પણ ચુસ્ત ફીલ્ડિંગવાળા આ ખેલાડીઓમાં હતું.
યુવી ૩૮ વર્ષનો છે. ૨૦૧૧માં ભારતને બીજો વન-ડે વર્લ્ડ કપ જિતાડવામાં તેનું મોટું યોગદાન હતું. તેને કૅન્સરનાં લક્ષણો હોવા છતાં એ સ્પર્ધામાં રમ્યો હતો અને સ્પર્ધા પછી તેણે આ મહારોગની સારવાર કરાવવી પડી હતી.
યુવરાજ ખાસ કરીને ૨૦૦૭ના ટી-ટ્‌વેન્ટી વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવરમાં ફટકારેલી છ સિક્સર માટે જાણીતો છે, પરંતુ તેણે ત્રણ મૅચમાં અફલાતૂન ફીલ્ડિંગનું પ્રદર્શન કરીને (ડાઇવ લાગવીને અદ્ભુત કૅચ પકડીને) ભારતને જીત અપાવી હતી.
૨૦૦૨માં કોલંબોમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં સૌરવ ગાંગુલીના સુકાનમાં ભારતે યુવરાજના ૬૨ રનની મદદથી ૨૬૧ રન બનાવ્યા ત્યાર બાદ સાઉથ આફ્રિકા એક તબક્કે એક વિકેટે ૧૯૨ રનના સ્કોર સાથે વિજયની દિશામાં આગળ વધી રહ્યું હતું. હર્શેલ ગિબ્સે ૧૧૬ રન અને જૅક કૅલિસે ૯૭ રન બનાવ્યા હતા અને સાઉથ આફ્રિકનોએ ૭૧ બૉલમાં જીતવા ૬૮ રન બનાવવાના બાકી હતા. જોકે, ગિબ્સે રિટાયર હર્ટ થવું પડ્યું અને વિશ્ર્‌વનો સર્વશ્રેષ્ઠ મનાતો ફીલ્ડર જૉન્ટી ર્હોડ્‌સ બૅટિંગમાં આવ્યો હતો. હરભજન સિંહના એક બૉલમાં સ્વીપ શૉટ મારવામાં નિષ્ફળ જતાં જૉન્ટીથી કૅચ આપી દેવાયો હતો અને યુવરાજ શૉર્ટ ફાઇન-લેગ પરથી દોડી આવીને વન-હેન્ડેડ કૅચ પકડી લીધો હતો. યુવીના એ અદ્ભુત પ્રયાસથી મૅચમાં બાજી ફરી ગઈ અને સમયાંતરે વિકેટ પડતી ગઈ. પચાસ ઓવરને અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર ૬ વિકેટે ૨૫૧ રન હતો અને એનો ભારત સામે માત્ર ૧૦ રનથી પરાજય થયો હતો.
૨૦૦૪માં ચિતાગૉન્ગમાં એમ. એસ. ધોનીએ વન-ડેમાં ડેબ્યૂ કર્યું એ મૅચમાં ભારતે આપેલા ૨૪૬ રનના લક્ષ્યાંકને બંગલાદેશ મેળવી શકે એમ હતું, પરંતુ યુવીએ શરૂઆતમાં જ ઓપનર મોહંમદ રફીકનો ઇરફાન પઠાણના બૉલમાં એક હાથે શાનદાર કૅચ પકડીને બંગલાદેશની ટીમને શરૂઆતમાં જ બ્રેક મારી હતી. એ પછી બે બૅટ્‌સમેન હાફ સેન્ચુરી કરી ગયા હતા અને ભારતની ૧૧ રનથી રોમાંચક જીત થઈ હતી. બંગલાદેશને યુવીએ પકડેલા રફીકના કૅચનો વસવસો રહી ગયો હતો.
એ પહેલાં, ૨૦૦૦ની સાલમાં આઇસીસી નૉકઆઉટ ટ્રોફીમાં યુવીએ ઑસ્ટ્રેલિયાના વનડાઉન બૅટ્‌સમૅન ઇયાન હાવીનો વેન્કટેશ પ્રસાદના બૉલમાં હવામાં છલાંગ મારીને અફલાતૂન કૅચ પકડ્યો હતો અને છેવટે એ કૅચ જ કાંગારુંઓને ભારે પડ્યો હતો, કારણકે તેઓ ૨૦ રનના માર્જિનથી હારી ગયા હતા.

Related posts

આઈપીએલ ૨૦૨૧માં હાર્દિક પંડ્યા ટી-૨૦ વર્લ્ડ કપ નહીં રમે

Charotar Sandesh

મેકગ્રા ગ્રેટ, પણ શ્રીનાથ પણ કંઇ કમ નહીંઃ પાર્થિવ પટેલ

Charotar Sandesh

ભારતના પૂર્વ કેપ્ટન એમ.એમ.ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh