દેવી-દેવતાઓના વિશેષ શણગાર અને અન્નકુટઃ વહેલી સવારથી મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની દર્શન માટે પડાપડી : તીર્થસ્થાનો-યાત્રાધામોમાં જડબેસલાક સુરક્ષા…
દિવાળી અને બેસતા વર્ષને લઇ રાજયના મંદિરોને શણગારાયા…
અમદાવાદ : દિવાળીના શુભ અને પવિત્ર પર્વને લઇ આજે શહેર સહિત રાજયભરના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રધ્ધાળુ ભકતોએ દેવી-દેવતાઓના દર્શન માટે પડાપડી કરી હતી.
દિવાળીના તહેવારને લઇ રાજયભરના મંદિરોમાં ખાસ કરીને અંબાજી, ડાકોર, દ્વારકા, સાળંગપુર કષ્ટભંજન દેવ, સોમનાથ મહાદેવ, પાવાગઢ, ચોટીલા, વીરપુર, બગદાણા બજરંગદાસ બાપા, નાગેશ્વર મહાદેવ સહિતના યાત્રાધામોમાં દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે આજે વિવિધ મંદિરોમાં દેવી-દેવતાઓના અન્નકુટ અને યજ્ઞ-પૂજનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. લાખો શ્રધ્ધાળુ ભકતોએ આજે દિવાળીના તહેવારે દેવદર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દિવાળીના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના વિવિધ મંદિરો ઝળહળતી રોશની અને ડેકોરેટીવ રંગેબરંગી લાઇટીંગ અને અનેક આકર્ષણોથી શોભાયમાન અને ઝળહળી ઉઠયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં આજે દિવાળીનો તહેવાર હોઇ ભકતોની ભારે ભીડ જામી હતી. મંદિર સત્તાવાળાઓ તરફથી પણ તહેવારમાં ભકતોના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં ભીડભાડ અને ધક્કામુક્કીના દ્રશ્યો સામાન્ય બન્યા હતા.