અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી…
વિશ્વમાં કોરોનાના ૨૧.૮૩ લાખ નોંધાયા તો ૧.૪૬ લાખ લોકોએ જીવ ગુમાવ્યો, ટ્રમ્પે અમુક રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી, સંક્રમણના ભયના કારણે મ્યાનમાર ૨૫ હજાર કેદીઓને છોડશે…
બેઇજિંગ/લંડન : વિશ્વભરમાં કોરોનાના ૨૧.૮૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૧.૪૬ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૫.૪૮ લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે.
ચીનના વુહાનમાં સંક્રમિતો અને મૃતકોના નવા આંકડા જાહેર કરાયા છે. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યા ૩૨૫ વધીને ૫૦ હજાર ૩૩૩ થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ૧૨૯૦ વધીને ૩૮૬૯ થયો છે. વુહાન નગરપાલિકા દ્વારા આ આંકડા જાહેર કરાયા છે. બીજી તરફ સંક્રમણના ભયના કારણે મ્યાનમાર સરકારે ૨૫ હજાર કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ અમુક રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોના ગવર્નર સાથે વાત કરીને આ જાહેરાત કરી છે. તે માટે નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે. તેમના મતે ઓછા સંક્રમણવાળા વિસ્તારમાં શનિવારે ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટછાટ અપાશે. જ્યા વધારે કેસ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ અંગે નિર્ણય રાજ્યોના ગવર્નર લેશે.
સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં કુલ કેસ ૧.૮૫ લાખ અને મૃત્યઆંક ૧૯ હજાર ૩૧૫ નોંધાયો છે.
યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં
ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ ૧.૬૯ લાખ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૨૨ હજાર ૧૭૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૫૨૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપમાં ૧૦.૧૫ લાખ કેસ નોંધાયા છે અને ૯૨ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે.
આયરલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું-પ્રતિબંધો હટાવવા માટે મહિનાઓ લાગશે
આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વેરાડકરે કહ્યુ કે દેશમાં કોરોનાને લઈને લગાવવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવશે. તેઓએ દેશની સંસદમાં કહ્યું કે સરકાર હાલ દાવા સાથે નથી કહેતી કે પાંચ મેના રોજ પ્રતિબંધો હટી જશે. ૨૭ માર્ચે અહીં લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. અહીં કોરોનાનો પ્રથમ કેસ ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો. આયરલેન્ડમાં ૧૩ હજાર ૨૭૧ પોઝિટિવ કેસ અને ૪૮૬ લોકોના મોત થયા છે.
બ્રિટનમાં લોકડાઉન ત્રણ સપ્તાહ વધારાયુ
કોરોનાના સંક્રમણ રોકવા માટે બ્રિટનનમાં લોકડાઉનને ત્રણ સપ્તાહ વધારમાં આવ્યું છે.અહીં પહેલા ૨૫ દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. બ્રિટનમાં પોઝિટિવ કેસ એક લાખથી વધુ નોંધાયા છે અને ૧૩ હજાર ૭૨૯ લોકોના મોત થયા છે.