પ્રથમ દિવસે ૨૯ લાખથી વધુએ નોંધણી કરાવી…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના વડીલો અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષ સુધીના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે. આ તબક્કાના લોકોમાં આવનારા સરકારના મંત્રીઓ પણ રસી મૂકાવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ કોરોનાની રસી મૂકાવી.
ત્રીજા તબક્કાની શરૂઆત થતા જ રસી પર સવાલ ઉઠાવનારા લોકોના મોઢા પર તાળા વાગી ગયા. સોમવારે સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની રસી લીધી. ત્યારબાદ સરકારના કેટલાક મંત્રીઓ પણ રસી મૂકાવી ચૂક્યા છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને તેમના પત્નીએ દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટિટ્યૂટમાં રસી મૂકાવી. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ત્રીજા તબક્કામાં જ રસી લગાવવાને લઈને રસી પ્રત્યે વિશ્વાસનો સંદેશ ગણવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સરકાર તરફથી વિપક્ષની ચેતવણી (પીએમ અને ભાજપવાળા પહેલા મૂકાવે રસી) નો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે.
જી કિશન રેડ્ડીએ પણ લીધો પહેલો ડોઝ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ મંગળવારે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો.
ફારુક અબ્દુલ્લાએ પણ લીધી રસી
નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એમ્સમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો.
ટીઆરએસ સાંસદે મૂકાવી રસી
તેલંગણા રાષ્ટ્ર સમિતિ સાંસદ કે.કેશવ રાવે પણ રસી પર ભરોસો વ્યક્ત કર્યો છે. અને હૈદરાબાદની એક હોસ્પિટલમાં રસી મૂકાવી.