ભારતમાં ૯૭.૮૨ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે ૨૦ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૦૨૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૨,૦૭,૮૭૧ થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૭ લાખ ૮૨ હજાર ૬૬૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭,૯૦૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૬,૮૮,૧૮,૦૫૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે,
રવિવારના ૨૪ કલાકમાં માત્ર ૭,૧૫,૩૯૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. ૨૪ કલાકમાં વધુ ૮૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને રિકવરી રેટ ૯૩.૯૧ ટકા રહ્યો. એક દિવસમાં ૯૨૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થયા છે.