ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર દમ તોડી રહી છે અને ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-૧૯ના ૧ લાખ કરતા ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૦,૦૦૦ કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન કોરોનાના કારણે ૩,૩૦૦ કરતા વધારે દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખ ૨૬ હજાર જેટલી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ ૯૫.૨૬ ટકાએ પહોંચી ગયો છે. મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૦,૮૩૪ નવા કેસ સામે આવ્યા છે જે ૭૧ દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે આ દરમિયાન કોરોનાના ૧.૩૨ લાખ દર્દીઓ સાજા/રિકવર થયા છે.
ગત મહિનાથી જ દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે અને સાથે જ દર્દીઓના સાજા થવાના દર એટલે કે રિકવરી રેટમાં પણ ઝડપથી વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૧૩ જૂન, ૨૦૨૧ના રોજ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૮૩૪ નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન ૩,૩૦૩ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમયમાં જ ૧,૩૨,૦૬૨ દર્દીઓ સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૦,૨૬,૧૫૯ જેટલી છે.
અત્રે જણાવવાનું કે ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં ૮૪,૩૩૨ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૪૦૦૦ જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં હવે રિકવરી રેટ ૯૫ ટકાથી વધુ થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસોના મામલે દુનિયામાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોના મામલે ભારત દુનિયામાં બીજા નંબરે છે અને મોત મામલે દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ બાદ ભારત ત્રીજા ક્રમે છે.