અમદાવાદ : રાજ્ય માં હાહાકાર મચાવનાર કોરોનાના સંક્રમણના લીધે રાજ્ય સરકાર દ્વારા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી તેનો નિર્ણય શિક્ષણ વિભાગ હજુ સુધી કરી શક્યું નથી. ત્યારે શાળાઓએ જાતે જ બાળકોને ધોરણ ૧૧માં પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે.
રાજ્યભર ની અનેક શાળાઓએ ધોરણ ૧૦ની માર્કશીટ વગર જ ધોરણ ૧૧માં વિદ્યાર્થી ને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ ૧૧માં પ્રવેશ આપવાની કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે. ખુદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કહી ચૂક્યા છે કે ધોરણ ૧૦ ની માર્કશીટ વિના ધોરણ ૧૧ માં પ્રવેશ આપવો અયોગ્ય છે. સરકારે હજુ સ્પષ્ટ કર્યું નથી કે બાળકોને ધોરણ ૧૧માં કયા આધારે પ્રવેશ આપવો ત્યારે કોઇપણ શાળાએ હાલ પ્રવેશ ના આપવો જોઇએ.
નિયમ મુજબ કોઈપણ શાળા ધોરણ ૧૦ની માર્કશીટ વગર વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં પ્રવેશ આપી ના શકે. ધોરણ ૧૦ની માર્કશીટ વગર જ ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર કેટલીક શાળાઓને DEO કચેરી તરફથી નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી છે. જોકે શિક્ષણ વિભાગની ઢીલી નીતિના લીધે શાળા સંચાલકોની મનમાની યથાવત છે. માત્ર ફટકારે સંતોષી માનતા તંત્ર સામે શાળાઓ બેફામ બની છે.
શિક્ષણ વિભાગે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું ત્યારબાદ માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી એ અંગે એક કમિટી બનાવી હોવા છતાં કમિટી હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી. શિક્ષણ વિભાગની કચબા ગતિથી પરેશાન શાળા સંચાલકોએ બાળકોને ધોરણ ૧૧માં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ થયેલી જાહેરાત મુજબ નવું શૈક્ષણિક સત્ર પણ ૭ જૂનથી શરૂ થવાનું છે, એવામાં શાળાઓએ પોતાની તૈયારીઓ આરંભી પરંતુ શિક્ષણ વિભાગ હજુ ઘોર નિદ્રામાં છે. ધોરણ ૧૦ના બાળકોને માસ પ્રમોશન આપ્યા બાદ તમામ બાળકોને કેવી રીતે ધોરણ ૧૧માં સમાવેશ કરી શકાશે તે બાબતે પણ કોઈ ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવી નથી.
ધોરણ ૧૦માં માસ પ્રમોશન મેળવ્યા બાદ જે શાળામાં ધોરણ ૧૧ ના વર્ગો નથી, તેવી શાળાના વાલીઓ તેમના બાળકોને ધોરણ ૧૧માં પ્રવેશ અપાવવા માટે ચિંતિત બન્યા છે. દરવર્ષે અંદાજે ૬૦ ટકા ધોરણ ૧૦નું રિઝલ્ટ આવતું હતું ત્યારે આ વખતે માસ પ્રમોશનને કારણે ૧૦૦ ટકા બાળકો પાસ થયા છે. એવામાં તમામનો કેવી રીતે ધોરણ ૧૧માં સમાવેશ કરી શકાશે તેનો જવાબ હજુ પણ શિક્ષણ વિભાગ આપી શક્યું નથી.