ઉત્તરાખંડ, ગુજરાત જેવા રાજ્યોએ દંડમાં ઘટાડો કર્યો…
ન્યુ દિલ્હી,
એક દેશ એક કાયદોનું સૂત્ર આપનારી ભાજપની કેન્દ્ર સરકારે જાતે ઘડેલો નવો ટ્રાફિકનો કાયદો ખુદ કેન્દ્ર સરકાર માટે માથાનો દુઃખાવો બની રહે એવી શક્યતા જણાતી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત રાજ્યથીજ કડક દંડનો વિરોધ થયો હતો અને એક કરતાં વધુ રાજ્યોએ નવા ટ્રાફિક રૂલ્સનો વિરોધ કર્યો હતો.
પહેલી સપ્ટેંબરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા હેઠળ અત્યાર સુધીમાં હજારો લોકોને દંડ કરવામાં આવ્યો. દરમિયાન કેટલીક રાજ્ય સરકારો સાવધ થઇ ગઇ અને પોતપોતાનાં રાજ્યોમાં દંડની રકમ ઘટાડી નાખી. એવા રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોજ મોખરે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદમાં ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારાને સજા રૂપે કેન્દ્રે નક્કી કરેલા દંડમાં સીધો નેવું ટકા ઘટાડો કરી નાખ્યો હતો.
મૂળ તો જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તોળાઇ રહી છે એવાં ભાજપી રાજ્યોને ટ્રાફિકના નવા કાયદા અને ભૂલ કરનાર પાસે લેવાતા મોટી રકંમના દંડ અંગે ચિંતા પ્રવર્તી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે નીતિન ગડકરીને પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી હતી.
આવું કરવામાં મહારાષ્ટ્ર એકલું નથી. ઝારખંડ અને હરિયાણા સરકારે પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી દંડ સંહિતાનો વિરોધ કર્યો હતો. આ રાજ્યોએ તો પોલિટિકલ કારણોસર આવું કર્યું હોય એ સમજી શકાય છે પરંતુ કર્ણાટક અને ઉત્તરાખંડે પણ પોતાની રીતે નિર્ણય કર્યો હતો.
ઉત્તરાખંડે પણ ગુજરાતની જેમ દંડની રકમ ૯૦ ટકા ઘટાડી હતી જ્યારે કર્ણાટકે કહ્યું હતું કે કેન્દ્રે બનાવેલા નવા કાયદાનો અમલ કરવો કે નહીં એ અંગે અમે હજુ નિર્ણય કર્યો નથી. દેશના કદ અને વસતિની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભાજપશાસિત રાજ્ય ઉત્તર પ્રદેશે પણ હજુ આ કાયદાનો અમલ શરૂ કર્યો નથી.