ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચમી વખત સભા…
દુમકામાં ભાજપના ઉમેદવાર લુઈસ મરાંડી અને ઝામુમોના હેમંત સોરેન વચ્ચે સીધી ટક્કર…
રાંચી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાગરિકતા બિલ એક હજાર ટકા સાચું જ છે અને તેનો વિરોધ કરનારાઓ દેશ વિરોધી છે. મોદીએ રવિવારે ભાજપ ઉમેદવાર લુઈસ મોદીના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે(ઝામુમો અને કોંગ્રેસ) તેમના પરિવારની ચિંતા કરતા રહ્યાં અને તિજોરી ભરતા રહ્યાં. તેમની પાસે ઝરખંડના વિકાસનો કોઈ રોડમેપ કે ઈરાદો નથી. તેમને એક જ વાતનો ખ્યાલ છે, જ્યાં તક મળે ત્યાં ભાજપનો વિરોધ કરો, મોદીને ગાળો આપો, તેઓ માત્ર આ જ કરી રહ્યાં છે. ભાજપનો વિરોધ કરતા-કરતા તેમને દેશના વિરોધની આદત થઈ ગઈ છે. તેમાં તેઓ સીમા રેખાનું પણ ઉલ્લંઘન કરી બેસે છે.
મોદીએ વધુમાં કહ્યું કે તમે સમાચારોમાં જોયું હશે કે સંસદમાં નાગરિકતા કાયદા સાથે જોડાયેલો ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અન્ય ધર્મોના લોકો પર જુલ્મ થયો, તેમની બહેન-દીકરીઓની ઈજ્જત ખતરામાં મુકાઈ. આ ત્રણ દેશોના હિન્દુ, બૈદ્ધ, જૈન, પારસીઓને અહીં શરણાર્થીનું જીવન જીવવું પડ્યું. તેમના જીવનને સુધારવા માટે સંસદના બંને ગૃહોમાં ભારે બહુમતીથી નાગરિકતા બિલ પાસ કરવામાં આવ્યું. કોંગ્રેસ અને તેના સાથીઓ હલ્લો કરી રહ્યાં છે. તેમની વાત ન માનવામાં આવતી તો વિવિધ જગ્યાએ આગ લગાડવા સહિતના તોફાનો કરે છે. ટીવી પર જે જોઈ રહ્યાં છો, તે આગ લગાવનાર કોણ છે, તેમના કપડા પરથી ખ્યાલ આવી જાય છે.
દુમકામાં ધુમ્મસના કારણે અહીં વિઝિબિલિટી ઓછી હતી, તો જનસભામાં ઉપસ્થિત લોકોએ મોબાઈલનો ફ્લેશ ચાલુ કરીને મોદીનું સ્વાગત કર્યું. મોદીએ કહ્યું જો તમે ફ્લેશ લાઈટ ઓન કરી ન હોત તો મને એ વાતનો અંદાજ ન આવત કે કેટલે દુર સુધી તમે લોકો બેઠા છો.
દુમકા બેઠક પરથી આ વખતે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને સમાજ કલ્યાણ મંત્રી લુઈસ મરાંડી વચ્ચે કાંટાની ટક્કર છે. ૨૦૧૪માં દુમકામાં ભાજપના ડોક્ટર લુઈસ મરાંડીએ હેમંત સોરેનને ૫૨૬૨ મતોથી હરાવ્યા હતા. પાંચમાં તબક્કામાં જે ૧૬ બેઠકો પર મતદાન થવાનું છે, તેમાં રાજમહલ, બોરિયા, બરહેટ, લિટ્ટીપાડા, પાકુડ, મહેશપુરા, શિકારીપાડા, નાલા, જામતાડા, દુમકા, જરમુન્ડી, સારઠ, પોડેયાહાટ, ગોડ્ડા અને મહગામા વિધાનસભા બેઠક સામેલ છે.